વડોદરા પાસે જાંબુઆ બ્રિજ પર ખાડાના કારણે 5 કિ.મી લાંબો ટ્રાફિક જામ સર્જાયો, લોકો ફસાયા
વડોદરા, 09 ઓગસ્ટ 2024, ગુજરાતમાં ભારે વરસાદને કારણે રોડ પર ખાડા પડી જવાથી વાહનચાલકોને મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વડોદરા નજીકથી પસાર થતાં જાંબુવા બ્રિજના રોડ પર ખાડા પડી જતા આજે વહેલી સવારે પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. છેલ્લા ચાર દિવસથી રોજ સવારે અને સાંજે આ પ્રકારનો ટ્રાફિક જામ થાય છે. આસપાસની સોસાયટીના લોકોને પણ ટ્રાફિકના કારણે અવરજવર કરવામાં ભારે તકલીફોનો સામનો કરવો પડી રહી છે.ટ્રાફિકની સમસ્યાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ટ્રાફિકજામ થતા લોકો કલાકો સુધી ફસાઇ ગયા
વડોદરા પાસે નેશનલ હાઇવે પર સવાર-સવારમાં પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા મોટી સંખ્યામાં વાહનચાલકો અટવાયા હતા. જાંબુવા બ્રિજથી કપુરાઇ બ્રિજ સુધી ટ્રાફિકજામ થતા લોકો કલાકો સુધી ફસાઇ ગયા હતા.અમદાવાદથી સુરત તરફ જઈ રહેલા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.જાંબુવા બ્રિજની બાજુમાં જ સોસાયટીઓ અને સ્કૂલો આવેલી છે. જેથી સોસાયટીઓના રહીશો સોસાયટીની બહાર નીકળી શકતા નથી અને નીકળે તો ટ્રાફિકજામમાં અટવાઈ જાય છે.જાંબુવા બ્રિજ પાસે આવેલી રેસિડેન્સીના રહીશો તો ટ્રાફિકજામની સમસ્યથી ખૂબ જ ત્રસ્ત થઈ ગયા છે અને તંત્ર દ્વારા રોડની કામગીરી કરીને આ સમસ્યા દૂર કરવામાં આવે તેમ ઇચ્છી રહ્યા છે.
ટ્રાફિકજામની સમસ્યા છેલ્લાં ચાર વર્ષથી છે
આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ટ્રાફિકજામની સમસ્યા છેલ્લાં ચાર વર્ષથી છે. ચોમાસાના સમયમાં બ્રિજ ઉપર ખાડા પડી જતા આ સમસ્યા સર્જાય છે. આ મામલે નેશનલ હાઈવે ઓથોરિટીમાં પણ પત્રો લખેલા છે અને સામેથી જવાબ મળ્યો છે કે, ભરૂચથી વડોદરા તરફ સાંકડા 4થી 5 બ્રિજ પહોળા કરવાની ભલામણ કરેલી છે. આ બ્રિજની કામગીરી જલદી કરવામાં આવે.અહીં ટ્રાફિકજામ થઇ જતાં અમે સોસાયટીમાંથી નીકળી શકતા નથી. ઘરેથી બહાર નીકળી ગયા હોઇએ તો ફરી સોસાયટીમાં જઇ શકતા નથી.
આ પણ વાંચોઃબનાસકાંઠા : ડીસામાં ટ્રાફિકને નડતર રૂપ દબાણો હટાવાયા