સુરતમાં ‘કુંભાણી વોન્ટેડ’ લખેલા પોસ્ટર લાગ્યા, AAPએ કહ્યું, BJPના વોશિંગ મશિનમાંથી બહાર આવશે
સુરત, 25 એપ્રિલ 2024, કોંગ્રેસ દ્વારા સુરત લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે નિલેશ કુંભાણીની પસંદગી કરવામાં આવી હતી. ત્યાર બાદ નિલેશ કુંભાણીએપોતાનું ઉમેદવારીપત્ર રદ થાય એ માટે ષડ્યંત્ર રચ્યું હોવાનું કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો.ફોર્મ રદ થતાં સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારને બિનહરીફ જાહેર કરી દેવામાં આવ્યા હતાં. હવે સુરતમાં ‘નિલેશ કુંભાણી વોન્ટેડ’નાં પોસ્ટર લાગ્યાં હતાં.
ભાજપે નિલેશ કુંભાણી, ત્રણેય ટેકેદાર અને ડમી ઉમેદવારને ખરીદી લીધા
આમ આદમી પાર્ટીના નેતા દિનેશ કાછડિયાએ મીડિયાને જણાવ્યું હતું કે ભાજપે નિલેશ કુંભાણી, ત્રણેય ટેકેદાર અને ડમી ઉમેદવારને ખરીદી લીધા છે. આ માટે તેમને 15 કરોડ જેવી રકમ ચૂકવવી પડી છે. ગઈકાલે નિલેશ કુંભાણીના ઘરે જઈને કોંગ્રેસના ત્રણ-ચાર કાર્યકર્તા દ્વારા ઘરની બહાર પોસ્ટર ચોંટાડીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પરંતુ આજે આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયાએ હીરાબાગ સર્કલ પાસે બ્રિજ ઉપર જઈને નિલેશ કુંભાણી સામે રોષ વ્યક્ત કરતાં બેનર લગાવ્યાં હતાં. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે ‘લોકતંત્રનો હત્યારો- ગદ્દાર’ નિલેશ કુંભાણીએ સુરત લોકસભા મતવિસ્તારના 19 લાખ મતદારોનો હક છીનવી લીધો છે.
ભારતીય જનતા પાર્ટીના વોશિંગ મશીનમાંથી બહાર આવશે
દિનેશ કાછડિયાએ જણાવ્યું કે મને દુઃખ એક જ વાતનું છે કે આજે દેશભરના લોકો જ્યારે પોતાના મતાધિકારનો લોકસભાની ચૂંટણીમાં ઉપયોગ કરવાના હતા, કોઈ તેમના મત અધિકારનો હક છીનવી શકે નહીં.ઇન્ડિયા ગઠબંધન દ્વારા નિલેશ કુંભાણીને સુરત બેઠક પરથી ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું નથી પણ કરાવવામાં આવ્યું છે.નિલેશ કુંભાણી જ્યાં પણ દેખાય ત્યાં તેને સબક શિખવાડવા માટે કહેવામાં આવ્યું છે.
ચાર લોકોને કોઈનો મતનો અધિકાર છીનવવાનો હક નથી
નિલેશ કુંભાણી હાલ ગોવામાં જલસા કરી રહ્યા છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે 7 મેએ દેશભરમાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા હશે અને સુરતીઓ માત્ર ટીવી પર એને જોતા રહેશે. આ ચાર લોકોને કોઈનો મતનો અધિકાર છીનવવાનો હક નથી. તેમની સામે સખત કાર્યવાહી થવી જોઈએ. જો નિલેશ કુંભાણી મર્દ હોય તો તેને ગામમાં રહેવું જોઈએ. શા માટે તે ભાગી ગયો છે અને મારી તેને ઓપન ચેલેન્જ છે કે તું સુરત શહેરમાં આવીને બતાવ. આ પ્રકારના વિરોધને જોતાં તે થોડા દિવસ પછી પણ ભારતીય જનતા પાર્ટીના વોશિંગ મશીનમાંથી બહાર આવશે.
આ પણ વાંચોઃગેનીબેન ઠાકોરે કહ્યું, હવે તો લોકસભાની ચૂંટણી પણ પેપર ફોડવા વાળા જ લડે છેઃ જુઓ વીડિયો