પોરબંદર ચૂંટણી જંગ: જાણો પોરબંદર લોકસભા બેઠકની પરિસ્થિતિ, કેવો રહ્યો છે ભૂતકાળ?
પોરબંદર 6 માર્ચ 2024: લોકસભા ચૂંટણીમાં પોરબંદર લોકસભા બેઠક પર કુલ 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાવા જઈ રહ્યો છે. જેમાંથી બે મુખ્ય પક્ષો ભાજપમાંથી મનસુખ માંડવીયા અને કોંગ્રેસમાંથી લલિત વસોયા વચ્ચે સીધી ટક્કર થશે. આમ તો આ બેઠક સૌથી વધુ મેર અને તે બાદ બ્રાહ્મણ સમાજ પ્રભુત્વ ધરાવે છે. પોરબંદર લોકસભા અગાઉ કોંગ્રેસ અને ભાજપ બંને મુખ્ય પક્ષોનું ગઢ રહી ચૂકી છે. તેવામાં પોરબંદરનો ભૂતકાળ કેવો રહ્યો હતો? હાલ કેવી પરિસ્થિતિ છે? રાજકારણ માટે કેવું સર્જાયું છે? ચાલો જાણીએ આ પ્રશ્નોના જવાબ.
પોરબંદરમાં રાજકારણનો ઇતિહાસ
1960 માં સ્થાપના સમયથી જ રાજ્યને ‘ગાંધીના ગુજરાત’ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેમનો જન્મ પોરબંદર ખાતે થયો હતો. જો પોરબંદરનું કીર્તિ મંદિર ગાંધીની સ્મૃતિઓની સાક્ષી પૂરે છે, તો કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનની ફાઇલો એક સમયે આ શહેર કેટલું કુખ્યાત હતું, તેની જુબાની આપે છે. પોરબંદરના રાજકીય ચહેરાઓની વાત કરીએ તો બોખીરિયા મોદી, આનંદીબહેન પટેલ અને વિજય રૂપાણીના પહેલા મંત્રીમંડળમાં મંત્રી બન્યા હતા. જ્યારે મોઢવાડિયા ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા તથા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ પણ બન્યા. જોકે, 2022ની વિધાનસભા ચૂંટણીમાં જ્યારે ભાજપે રાજ્યમાં 156 બેઠકો પર વિજય મેળવ્યો હતો ત્યારે પોરબંદરની જનતાએ કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાને વિજયી બનાવ્યા હતા. જોકે, માત્ર બે જ વર્ષમાં 2024માં હવે એ જ અર્જુન મોઢવાડિયા કૉંગ્રેસ છોડીને ધારાસભ્યપદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા બાદ ભાજપના ઉમેદવાર તરીકે પોરબંદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ઊતર્યા છે.
પોરબંદર લોકસભામાં 7 વિધાનસભાનો સમાવેશ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ તરીકે ઓળખાતી પોરબંદર લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભાઓનો સમાવેશ થાય છે. જેમાં જેતપુર, ધોરાજી, ગોંડલ, કેશોદ, માણાવદર, પોરબંદર અને કુતિયાણાનો સમાવેશ થાય છે. 2022 માં આ લોકસભાની 4 વિધાનસભા બેઠક જેવી કે જેતપુર, ધોરાજી, ગોંડલ અને કેશોદ પર ભાજપનો વિજય થયો હતો. અને બે બેઠક જેવી કે માણાવદર અને પોરબંદર પર કોંગ્રેસે જીત મેળવી હતી. અને એકમાત્ર કુતિયાણા બેઠક પર સમાજવાદી પાર્ટીમાંથી લડેલા ઉમેદવાર કાંધલ જાડેજાનો વિજય થયો હતો. આમ કુલ 7 માંથી 4 બેઠકો ભાજપ 2 બેઠકો કોંગ્રેસ અને 1 બેઠક પર સમાજવાદી પાર્ટીએ જીત મેળવી હતી. 2019 લોકસભામાં ભાજપ ઉમેદવાર રમેશ ધડુકને કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા સામે મેદાને ઉતાર્યા હતા. જેમાં કોંગ્રેસની હાર થઈ હતી
2019 માં રમેશ ધડુક 2,29,823 ની લીડથી જીત્યા
2019 લોકસભા ચૂંટણીમાં પોરબંદર બેઠકમાં હાર-જીતની લીડનાં અંતરની વાત કરીએ તો રમેશ ધડુકને 5,63,881 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાને 3,34,058 મત મળ્યા હતા. ત્યારે રમેશ ધડુક 2,29,823 મતોની લીડથી જીત્યા હતા.
1,01,670 નવા યુવા મતદારો મત આપશે
2024 લોકસભામાં ભાજપમાંથી માંડવીયાને નવા ઉમેદવાર તરીકે પાર્ટી ઉતારર્યા છે અને કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાને રીપીટ કરાયા છે. પોરબંદર લોકસભા બેઠક પર કુલ મતદારોની વાત કરીએ તો 2024માં 17,62,602 કુલ મતદારો નોંધાયા છે. જ્યારે 2019 માં કુલ મતદારોની સંખ્યા 16,60,932 હતી. આ વખતે 1,01,670 કુલ નવા યુવા મતદારો મત આપશે
ભાજપમાંથી મનસુખ માંડવીયાને નવા ઉમેદવાર તરીકે મુકાયા
2014 લોકસભા ચૂંટણીમાં બે મુખ્ય પક્ષો કોંગ્રેસ, NCP ગઠબંધનમાંથી કાંધલ જાડેજા અને ભાજપના વિઠ્ઠલ રાદડિયા મેદાને હતા જેમાં ભાજપના વિઠ્ઠલ રાદડિયાની જીત થઈ હતી. તેમજ 2019 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા અને ભાજપમાં ઉમેદવાર રમેશ ધડુક મેદાન હતા. જેમાં ભાજપના ઉમેદવારની જીત થઈ હતી. તેવી જ રીતે આ વખતે 2024 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી રીપીટ ઉમેદવાર તરીકે લલિત વસોયા અને ભાજપમાંથી મનસુખ માંડવીયાને નવા ઉમેદવાર તરીકે મુકાયા છે. જ્યારે આ વખતે પોરબંદર લોકસભા બેઠક પર કોણ બાજી મારશે એ જોવાનું રહ્યું?