પોરબંદર : નેશનલ સ્વિમિંગ કોમ્પટીશનમાં 72 વર્ષીય સ્પર્ધકનું હાર્ટએટેકથી અવસાન
પોરબંદરના દરિયામાં તા.7 અને 8 જાન્યુઆરીએ બે દિવસ માટે નેશનલ સ્વિમિંગ કોમ્પટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરના તરવૈયા ભાગ લેવા આવી પહોચ્યા હતા. આ સ્પર્ધામાં 940 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે. જેમા મોટી સંખ્યામાં બાળકો, સિનિયર સિટીઝનો તથા પેરાસ્વીમરો પણ જોવા મળ્યા હતા. પરંતુ આજે રવિવારે સવારે પોરબંદર ખાતે રમત દરમ્યાન હાર્ટએટેક આવવાથી સ્પર્ધકનું અવસાન થયાના સમાચાર સામે આવ્યા છે. આ કોમ્પટીશનમાં અમદાવાદના 72 વર્ષીય વૃદ્ધનું મોત થતા આયોજકો અને પ્રેક્ષકો ચિંતામાં મુકાઈ ગયા હતા.
કોમ્પટીશન દરમિયાન વૃદ્ધને હાર્ટ એટેક આવ્યો હતો
આ અંગે મળતી માહિતી મુજબ, પોરબંદર ખાતે ચાલતી આ રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાના બીજા દિવસે ભાગ લેવા અમદાવાદથી પોરબંદર આવેલા 72 વર્ષીય પ્યારેલાલ જાખોદિયાનું સ્પર્ધા સમયે હાર્ટ એટેક આવતા મૃત્યું નીપજ્યું છે. આ ઘટનાને પગલે સ્પર્ધકોમાં તેમજ આયોજકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ છે તે મુજબ સ્પર્ધા દરમિયાન વૃદ્ધના મોઢામાં પાણી જતું રહેતા હાર્ટ એટેક આવ્યાનું અનુમાન કરવામાં આવ્યું છે.
અઢી દાયકાથી યોજાઈ છે આ કોમ્પટીશન
મહત્વનું છે કે, પોરબંદરમાં દર વર્ષે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ સમુદ્ર તરણ સ્પર્ધાનું આયોજન કરે છે. આ સ્પર્ધા છેલ્લા 23 વર્ષથી યોજાઈ રહી છે અને આ સમુદ્ર તરણ સ્પર્ધાને સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડીયાની પણ માન્યતા મળી હોય તેમ ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ દિલ્હી ખાતેથી ફેડરેશનની ટીમ પોરબંદરમાં યોજાયેલી આ તરણ સ્પર્ધાને ઈન્ટરનેશલ નિયમો મુજબ જજ કરી રહી છે. આ સ્પર્ધામાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતીય નેવી તેમજ કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ તેમજ 108 બોટ સહિત સ્થાનિક માછીમારો દ્વારા સતત રેસ્ક્યું સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.