કંગાળ પાકિસ્તાનની એરલાઇન્સ પણ ફડચામાંઃ સાઉદીમાં પ્લેન રોકાયુ


- પાકિસ્તાન પાસે હવે પ્લેનના ઇંઘણના પૈસા બચ્યા નથી
- પાકિસ્તાનની સરકારી એરલાઇન્સ બંધ થવાના આરે
- રાજકીય સંકટ આર્થિક સંકટ માટે જવાબદાર
પાકિસ્તાન ઘણા સમયથી મોંઘવારી અને ગરીબીનો સામનો કરી રહ્યું છે. પાડોશી દેશમાં ઘરવપરાશની વસ્તુઓ ખરીદવામાં પણ સામાન્ય લોકોને તકલીફ પડી રહી છે, પેટ્રોલ તો જાણે સોનાના ભાવે વેચાઇ રહ્યુ છે. લોકો ભુખમરાની હાલતમાં જીવી રહ્યા છે. લોટ, શાકભાજી, દુધ, તેલ બધુ જ મોંઘુ છે. પાકિસ્તાનમાં ઘણા લોકો રાજકીય સંકટને આર્થિક સંકટ માટે જવાબદાર ગણાવી રહ્યા છે. ત્યારે હવે આ ખરાબ હાલતની અસર પાકિસ્તાનની એરલાઈન્સ પર પણ પડી છે. સરકારની પાકિસ્તાની ઇન્ટરનેશનલ એરલાઇન્સ ફડચામાં જઇ રહી છે.
PIA પતનના આરે? સાઉદીમાં પ્લેન રોકાયુ
પાકિસ્તાનની એરલાઇન્સ હવે પતનને આરે આવી હોય તેવુ લાગી રહ્યુ છે અને તેઓ તેમના સ્ટાફને પગાર પણ ચૂકવવા સક્ષમ નથી. પ્લેનમાં ઇંધણ ભરવા માટે પણ તેમની પાસે પૈસા બચ્યા નથી. પાકિસ્તાનની સરકારી એરલાઇનના ટોચના અધિકારીએ ચેતવણી આપી છે કે, જો એરલાઇન્સને ઇમરજન્સી ફંડ ઉપલબ્ધ કરાવવામાં નહીં આવે તો 15 સપ્ટેમ્બર સુધી ફ્લાઇટ્સ સ્થગિત કરવી પડશે. વિમાનો માટે ઇંધણના પૈસા પણ બચ્યા નથી. આ કારણોસર તાજેતરમાં જ પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સના પ્લેનને સાઉદી અરેબિયાના દમન એરપોર્ટ પર રોકવામાં આવ્યું હતું.
પાયલોટ સહિત સ્ટાફને પગાર મળતો નથી
પાયલોટ સહિત તમામ સ્ટાફ મેમ્બરને તેમનો પગાર મળ્યો નથી. PIAએ સરકારને તો ત્યાં સુધી કહ્યું છે કે, નાણાકીય સંકટને કારણે 13માંથી 5 ફ્લાઈટ્સ બંધ કરી દેવામાં આવી છે જ્યારે તમામ વધારાના એરક્રાફ્ટની ફ્લાઈટ્સ પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ‘અભિમાની ગઠબંધન’ સનાતનને ખતમ કરવા માગે છેઃ MPમાં PM મોદીનું સંબોધન