કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

આવતીકાલે મતદાન: શું કહે છે અમરેલીનો મિજાજ?

અમરેલી 6 મે 2024: લોકસભા ચૂંટણીમાં અમરેલી લોકસભા બેઠક પર કુલ 8 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાવા જઈ રહ્યો છે. જેમાંથી બે મુખ્ય પક્ષો ભાજપમાંથી ભરત સુતરીયા અને કોંગ્રેસમાંથી જેનીબેન ઠુમ્મર વચ્ચે સીધી ટક્કર થશે. ત્યારે અમરેલી લોકસભાની બેઠક માટે ભાજપે લેઉવા પાટીદાર અગ્રણી ભરત સુતરિયા હાલ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ છે. જિલ્લા પંચાયતની અકાળા બેઠક પરથી તેઓ ચૂંટાયા છે. વર્તમાન સાંસદ નારણ કાછડિયાને કાપીને ભરત સુતરિયાને ટિકિટ આપવામાં આવી છે. ભરત સુતરિયા સામે કોંગ્રેસે જેનીબેન ઠુમ્મરને ટિકિટ આપી હોવાથી અમરેલી લોકસભાનો જંગ જામે તેવી શક્યતા છે. તેવામાં અમરેલી નો ભૂતકાળ કેવો રહ્યો હતો? હાલ કેવી પરિસ્થિતિ છે? રાજકારણ માટે કેવું સમીકરણ સર્જાયું છે? ચાલો જાણીએ આ પ્રશ્નોના જવાબ.

કોણ છે ભરત સુતરિયા?
ભરત સુતરિયાની વાત કરીએ તો તેઓ લેઉવા પાટીદાર અગ્રણી છે. અને હાલમાં અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ છે. જિલ્લા પંચાયતમાં અકાળા બેઠક ઉપરથી ચૂંટાયા છે અને તેમને પક્ષે નારણ કાછડિયાની ટિકિટ કાપીને આમને ટિકિટ આપી છે. તેઓ ધોરણ 10 પાસ છે અને વર્તમાન સમયમાં તેઓ ખેતી સાથે સંકળાયેલા છે. મૂળ લાઠી તાલુકાના જરખીયા ગામના વતની ભરતભાઈ સુતરીયાનો જન્મ 17 સપ્ટેમ્બર 1971ના દિવસે થયો હતો. હાલ તેઓ અમરેલી જિલ્લા પંચાયતની 24 મતીરાળા સીટના સદસ્ય તરીકે ચૂંટણી જીતીને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કામ કરી રહ્યા છે. ભરત સુતરીયા વર્ષ 1991થી ભાજપના સક્રિય કાર્યકર્તા તરીકે જોડાયા હતા.

નારણ કાછડિયા ત્રણ વખત જીત્યા
નારણ કાછડિયા અમરેલી લોકસભા સીટ પર વર્ષ 2009 થી લઈને 2024 સુધી પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. તેમણે 2009માં કોંગ્રેસના નીલાબેન ઠુમ્મર, 2014માં કોંગ્રેસના વીરજી ઠુમ્મરને હરાવી ચુક્યા છે. અને વર્ષ 2019 માં કોંગ્રેસના પરેશ ધાનાણીને હરાવી ચુક્યા છે. કદાવર નેતાની ભાજપે ટિકિટ કાપીને નવા ઉમેદવાર ભરત સુતરીયાને પસંદ કર્યા છે.જેને લઇને પક્ષની રણનીતી કઇ તેની ચર્ચા થઇ રહી છે. વર્ષ 2009માં જ્યારે નારણભાઈ કાછડીયાને લોકસભાના ઉમેદવાર તરીકે પસંદ કરાયા હતા ત્યારે તેઓ પણ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ પદે કાર્યરત હતા ત્યારે 15 વર્ષ બાદ ફરી એક વખત ભાજપે જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપર ભરોસો વ્યક્ત કરીને તેને લોકસભાની ચૂંટણીના જંગમાં ઉતાર્યા છે.

અમરેલી લોકસભામાં 5 વિધાનસભાનો સમાવેશ
પાટીદાર સમાજનું ગઢ ગણાતી અમરેલી લોકસભા બેઠકમાં કુલ 5 વિધાનસભાઓનો સમાવેશ થાય છે. જેમાં અમરેલી, ધારી, લાઠી, રાજુલા અને સાવરકુંડલાનો સમાવેશ થાય છે. 2022 માં આ લોકસભાની તમામ 5 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. ત્યારે 2017 વિધાનસભા ચૂંટણીમાં તમામ 5 બેઠકો પર કોંગ્રસે જીત મેળવી હતી. 2019 લોકસભામાં ભાજપે ઉમેદવાર નારણ કાછડીયાને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સામે મેદાને ઉતાર્યા હતા. જેમાં કોંગ્રેસની હાર થઈ હતી

2019 માં નારણ કાછડીયા 2,01,431 ની લીડથી જીત્યા
2019 લોકસભા ચૂંટણીમાં અમરેલી બેઠકમાં હાર-જીતની લીડનાં અંતરની વાત કરીએ તો નારણ કાછડીયાને 5,29,035 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીને 3,27,604 મત મળ્યા હતા. ત્યારે નારણ કાછડીયા 2,01,431 મતોની લીડથી જીત્યા હતા.

1,03,060 નવા યુવા મતદારો મત આપશે
2024 લોકસભામાં ભાજપમાંથી ભરત સુતરીયાને નવા ઉમેદવાર તરીકે પાર્ટીએ મેદાને ઉતાર્યા છે અને કોંગ્રેસે પણ નવા ઉમેદવાર તરીકે વીરજી ઠુમ્મરના દીકરી તેમજ કોંગ્રેસ મહિલા પ્રદેશ પ્રમુખ જેની ઠુંમ્મરને મેદાને ઉતાર્યા છે. અમરેલી લોકસભા બેઠક પર કુલ મતદારોની વાત કરીએ તો 2024માં 17,31,040 કુલ મતદારો નોંધાયા છે. જ્યારે 2019 માં કુલ મતદારોની સંખ્યા 16,27,980 હતી. આ વખતે 1,03,060 કુલ નવા યુવા મતદારો મત આપશે

ભાજપમાંથી ભરત સુતરીયાને નવા ઉમેદવાર તરીકે મુકાયા
2014 લોકસભા ચૂંટણીમાં બે મુખ્ય પક્ષો કોંગ્રેસમાંથી વીરજી ઠુંમ્મર અને ભાજપના નારણ કાછડીયા મેદાને હતા જેમાં ભાજપના નારણ કાછડીયાની જીત થઈ હતી. તેમજ 2019 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અને ભાજપમાં ઉમેદવાર નારણ કાછડીયા મેદાન હતા. જેમાં ભાજપના ઉમેદવારની જીત થઈ હતી. તેવી જ રીતે આ વખતે 2024 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી નવા ઉમેદવાર તરીકે જેની ઠુમ્મર અને ભાજપમાંથી ભરત સુતરીયાને નવા ઉમેદવાર તરીકે મુકાયા છે. જ્યારે આ વખતે અમરેલી લોકસભા બેઠક પર કોણ બાજી મારશે એ જોવાનું રહ્યું?

Back to top button