ઔરંગાબાદ હિંસા મામલે રાજકારણ ગરમાયુ, ઉદ્ધવ જૂથે BJP અને AIMIM ઉપર લગાવ્યા આરોપ

- શાસક પક્ષ અને વિપક્ષ બંને તરફથી ભાષણબાજી શરૂ થઈ ગઈ
- મહા વિકાસ આઘાડીની રેલીમાં વિક્ષેપ પાડવાનું ષડયંત્ર
- રામનવમીની પૂર્વ સંધ્યાએ પોલીસ ઉપર હુમલાને ગણાવ્યું ષડયંત્ર
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં હિંસા મામલે રાજકારણ ગરમાવા લાગ્યું છે. શાસક પક્ષ અને વિપક્ષ બંને તરફથી ભાષણબાજી શરૂ થઈ ગઈ છે. શિવસેના ઉદ્ધવ જૂથના નેતાઓએ ભાજપ અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે 2 એપ્રિલે શહેરમાં યોજાનારી મહા વિકાસ આઘાડીની રેલીમાં વિક્ષેપ પાડવા માટે આવું કરવામાં આવ્યું છે.

બુધવારે રાત્રે પોલીસ ઉપર કરવામાં આવ્યો હતો હુમલો
જણાવી દઈએ કે ઔરંગાબાદમાં યુવકો વચ્ચે થયેલી અથડામણ બાદ બુધવારે રાત્રે 500 લોકોના ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ઔરંગાબાદ શહેરના કિરાદપુરા વિસ્તારમાં બની હતી, જ્યાં એક પ્રખ્યાત રામ મંદિર છે. આ ઘટના રામનવમીની પૂર્વ સંધ્યાએ બની હતી. ઔરંગાબાદમાં, વિપક્ષ મહાવિકાસ આઘાડી, જેના ઘટક પક્ષો શિવસેના ઉદ્ધવ જૂથ, એનસીપી અને કોંગ્રેસ છે, 2 એપ્રિલ (રવિવાર) ના રોજ ઔરંગાબાદ શહેરમાં રેલી યોજવાના છે. જણાવી દઈએ કે ઔરંગાબાદનું નામ હવે બદલીને છત્રપત સંભાજીનગર કરવામાં આવ્યું છે.
AIMIM ભાજપની ‘B’ ટીમ
ભાજપ અને AIMIM પર પ્રહાર કરતા શિવસેના ઉદ્ધવ જૂથના નેતા ચંદકાંત ખૈરેએ કહ્યું હતું કે, AIMIMના ઇમ્તિયાઝ જલીલ, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી ભગવત કરાડ જેઓ ઔરંગાબાદના છે તે મિત્રો છે. યોજના તેમની હતી. હિંસા પાછળનો હેતુ મહાવિકાસ આઘાડીની રેલીમાં વિક્ષેપ પાડવાનો હતો. લોકો એમ પણ કહે છે કે AIMIM ભાજપની ‘B’ ટીમ છે. બીજી તરફ, શિવસેના ઉદ્ધવ જૂથના અન્ય એક નેતા સંજય રાઉતે આરોપ લગાવ્યો છે કે જાણી જોઈને તણાવનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે. ગૃહમંત્રી ફડણવીસે જાણવું જોઈએ કે ગુનેગાર કોણ છે?
પોલીસ પર હુમલો કરનારનો હાથ કાપી નાખવો જોઈએ
મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વિપક્ષના નેતા અને શિવસેનાના ઉદ્ધવ જૂથના નેતા અંબા દાસ દાનવેએ કહ્યું હતું કે, આપણે શાંતિ પુનઃસ્થાપિત કરવી જોઈએ. છેલ્લા એક મહિનાથી હું કહી રહ્યો છું કે શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે. છેલ્લા 15 દિવસથી AIMIM વિરોધ કરી રહ્યું છે. શિવસેનાના ઉદ્ધવ જૂથના નેતાએ કહ્યું પોલીસે હુમલો કરનારાઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. જો કોઈ પોલીસ પર હુમલો કરે છે, તો તેનો હાથ કાપી નાખવો જોઈએ. તેમણે કહ્યું કે શાસક ભાજપ-શિવસેના (એકનાથ શિંદે જૂથ) અને AIMIM લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ AIMIMના ઔરંગાબાદના લોકસભા સાંસદ ઈમ્તિયાઝ જલીલે પત્રકારોને જણાવ્યું કે તેમની નિષ્ફળતા છુપાવવા માટે આ પ્રકારના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. જો કંઇક સારું થાય છે, તો તે તેમના કારણે છે અને જો કંઇક ખરાબ થાય છે તો AIMIM તેના માટે જવાબદાર છે.