બિહારમાં રાજકીય ઘમાસાણ : NDAના ત્રણ સાંસદો સાથ છોડી નીતીશ-તેજશ્વીને આપી શકે છે સમર્થન
બિહારના રાજકીય ઘમાસાણમાં વધુ એક પલ્ટો આવી શકે તેમ છે. જેમાં NDAને મોટો ઝટકો લાગે તેવી શકયતા સેવાઈ રહી છે. તાજેતરમાં નીતીશ કુમારે ભાજપ સાથે નાતો તોડીને બિહારમાં આરજેડી સાથે મળીને સરકાર બનાવી હતી. આવી સ્થિતિમાં જ્યાં નીતિશ ફરી એકવાર સીએમની ખુરશી પર બેઠા છે, ત્યાં લાલુના લાલ તેજસ્વી યાદવને ડેપ્યુટી સીએમનું પદ મળ્યું છે ત્યારે મામલો અહીં પૂરો નથી થયો, હવે બિહારમાં પણ નવા કેબિનેટને લઈને ઝઘડો ચાલી રહ્યો છે. તેથી એનડીએને ટૂંક સમયમાં વધુ એક ઝટકો લાગવાની ચર્ચા છે. મળતી માહિતી મુજબ બિહારમાંથી NDAના ત્રણ સાંસદ JDU અને RJDને સમર્થન આપી શકે છે. આ ત્રણેય સાંસદો લોક જનશક્તિ પાર્ટીના પારસ જૂથના છે. કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસે જાહેરાત કરી હતી કે તેઓ એનડીએ સાથે રહેશે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે ખગરિયાના સાંસદ મહેબૂબ અલી કૌસર આરજેડી, અને વૈશાલીના સાંસદ વીણા દેવી અને નવાદાના ચંદન સિંહ JDUમાં જોડાઈ શકે છે.
2019માં LJPના 6 સાંસદો જીત્યા હતા
ગયા વર્ષે લોક જનશક્તિ પાર્ટીમાં તૂટ્યા બાદ પાર્ટી ચિરાગ અને પારસમાં વિભાજિત થઈ ગઈ. પારસ સાથે 5 સાંસદ હતા જ્યારે ચિરાગ એકલો હતો. હવે એવા સમાચાર છે કે જમુઈના સાંસદ ચિરાગ, હાજીપુરના પારસ અને સમસ્તીપુરના પ્રિન્સ સિવાયના તમામ 3 સાંસદો NDA છોડી દેશે જે એક પરિવાર છે. બીજી તરફ બિહારમાં ભાજપના નેતાઓએ નીતિશ કુમાર અને મહાગઠબંધન સામે મોરચો ખોલી દીધો છે. બેગુસરાયમાં સાંસદ ગિરિરાજ સિંહે તેજસ્વી અને નીતિશ કુમાર પર પ્રહારો કર્યા હતા. ગિરિરાજ સિંહે રાજ્યસભાના સાંસદ રાકેશ સિન્હા સાથે વિરોધ દરમ્યાન કહ્યું કે અતિ મહત્વકાંક્ષાને કારણે નીતિશ કુમારને લાગ્યું કે તેઓ કેટલાક લોકોના કહેવા પર આવનારા દિવસોમાં વડાપ્રધાન બની શકે છે. ઈતિહાસ સાક્ષી છે કે નીતીશ કુમાર ભાજપના કારણે જ મુખ્યમંત્રી બન્યા છે.