ભરૂચ: ભાજપના દાવેદારોની ફેક યાદી જાહેર થતા રાજકારણ ગરમાયુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સી આર પાટીલને દિલ્હી બોલાવામાં આવ્યા છે. ત્યારે દિલ્હીમાં ઉમેદવારોની યાદી તૈયાર કરવા માટે મિટીંગ મળી રહી હોવાની વાત વહેતી થતા જ ગુજરાતના પ્રત્યેક જિલ્લામાં કોને ટિકીટ આપવામાં આવશે અને કોની ટિકીટ કપાશે તેની ચર્ચા વ્યાપક બની છે. તેમાંય દક્ષિણ ગુજરાતના ભરૂચમાં તો ભાજપના ઉમેદવારોની આખે આખી યાદી જ સોશિયલ મીડિયામાં ફરતી થઈ છે.
સોશિયલ મીડિયામાં ફેક યાદી જાહેર
ભરૂચના વાગરા અને જંબુસર બેઠક પર ભાજપના દાવેદારોની યાદી સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ હતી. ત્યારે આખરે આજે અહીંના સાંસદ મનસુખ વસાવાએ જાતે આવીને આ યાદી બોગસ હોવાનો ખુલાસો કર્યો છે.
સાંસદે જાતે આવી યાદી ખોટી હોવાનો ખુલાસો કર્યો
વસાવાએ કહ્યું કે કોઈ એ ભાજપના લેટરપેડનો ઉપયોગ કરી બોગસ યાદી ફરતી કરી છે. ત્યારે આ અંગેની વાત ગાંધીનગર સુધી પહોંચી જતા ભારે હડકંપ મચી ગયો હતો. ત્યારે ભાજપે જાતે જ વાગરા અને જંબુસરના દાવેદારોની ફરતી થયેલી યાદી બોગસ હોવાનો ખુલાસો કરવો પડ્યો છે.
શું છે ફરતી થયેલી યાદીમાં ?
સોશિયલ મીડિયામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને સંબોધીને ભરૂચ ભાજપના લેટરપેડ પર લખ્યા બાદ વાયરલ થયેલી સંભવિતોની યાદીમાં જંબુસર બેઠક માટે છત્રસિંહ મોરી, કિરણસિંહ મકવાણા, બળવંતસિંહ પઢિયાર, ડી.કે. સ્વામીના નામ હતા. જ્યારે વાગરા બેઠક માટે અરૂણસિંહ રાણા, ફતેસિંહ ગોહિલ, ધીરજ ગોહિલ, સંજય ચાવડા અને નકુલદેવ રણાના નામ ફરતા થયા છે.
સાંસદે કસૂરવારો સામે કાર્યવાહી કરવા જણાવ્યુ
સાંસદ મનસુખ વસાવાએ આ યાદીને બોગસ ગણાવી છે. વસાવાએ કહ્યું કે, કોઈ ત્રાહિત વ્યક્તિએ ભરૂચ ભાજપના લેટરપેડનો દુરૂઉપયોગ કરી ટેક્નોલોજીની મદદથી આ કૃત્ય કર્યું છે. આવું કામ કરનાર જે પણ હશે તેની સામે પગલાં ભરવામાં આવશે.
આ પણ વાંચો: ગોપાલ ઈટાલિયાનો વધુ એક VIDEO વાયરલ, હવે હિન્દુ સંસ્કુતી અને ધર્મગુુરુનુ કર્યુ અપમાન