PM મોદીની સભામાં ડ્યુટીએ જઈ રહેલા પોલીસકર્મીઓને નડ્યો અકસ્માત, 5નાં મૃત્યુ
નાગૌર: રાજસ્થાનમાં પીએમ મોદીની સભામાં ડ્યુટી પર જઈ રહેલા પોલીસકર્મીઓને અકસ્માત નડ્યો હતો. ટ્રક પોલીસની કાર સાથે અથડાતાં ઘટનાસ્થળે જ 5 પોલીસકર્મીઓના મૃત્યુ થયા હતા. જ્યારે ત્રણ પોલીસ કર્મચારી ઘાયલ થયા છે. જેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના આગળના ભાગના ટુકડા થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, આ ભયાનક માર્ગ અકસ્માત નાગૌર જિલ્લાના કનુતા ગામ પાસે થયો હતો.
વહેલી સવારે પીએમ મોદીની સભા સ્થળે પોલીસકર્મીઓને લઈ જતી કાર એક ટ્રક સાથે અથડાઈ હતી. ઘટનાને નજરે જોનારાએ જણાવ્યું કે, ટક્કર એટલી જોરદાર હતી કે કારના ટુકડા થઈ ગયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. હાઈવે પર ભારે ચક્કાજામ થઈ ગયો હતો. જોકે, અકસ્માતની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
પોલીસકર્મીઓ ક્ષતિગ્રસ્ત કારની અંદર ખરાબ રીતે ફસાઈ ગયા હતા. ઘાયલોને પહેલા બહાર કાઢવામાં આવ્યા હતા. આ પછી મૃતક પોલીસકર્મીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ત્રણેયની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. દરમિયાન, મૃતક પોલીસકર્મીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસ-પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અકસ્માતનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: ઝારખંડમાં લગ્ન બાદ જાનૈયાઓને લઈ પરત ફરતી કારનો અકસ્માત, પાંચના મૃત્યુ