જામનગરમાં 1 લાખની લાંચ લેતાં પોલીસકર્મી રંગે હાથ ઝડપાયો, PSI અને રાઈટર ભાગી ગયા

- જામનગરના સમર્પણ સર્કલ વિસ્તારમાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું
- એસ.ઓ.જી.ના એક પોલીસ કર્મચારીને રંગે હાથ ઝડપી લીધો
- સફળ ટ્રેપને લઈને જામનગરના પોલીસ બેડામાં ભારે હલચલ મચી ગઈ
રાજકોટ એ.સી.બી.ની ટુકડીએ બુધવારે રાત્રે જામનગરમાં ધામા નાખ્યા હતા. સમર્પણ સર્કલ વિસ્તારમાં લાંચનું છટકું ગોઠવી ઉદ્યોગ નગર પોલીસ ચોકીના પી.એસ.આઇ અને રાઈટર વતી રૂપિયા એક લાખની લાંચ લેતા એસ.ઓ.જી.ના એક પોલીસ કર્મચારીને રંગે હાથ ઝડપી લીધો છે. જયારે પીએસઆઇ અને રાઈટર હાલ ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધખોળ કરવામાં આવી રહી છે.
એક નાગરિક દ્વારા ઉદ્યોગ નગર પોલીસ ચોકીમાં ચિટિંગની અરજી થઈ હતી
પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં એક નાગરિક દ્વારા ઉદ્યોગ નગર પોલીસ ચોકીમાં ચિટિંગની અરજી થઈ હતી, આ મામલે પોલીસ ચોકીના પી.એસ.આઇ.આર.ડી ગોહિલ અને તેના રાઈટર ધમભાઈ બટુકભાઈ મોરીએ તેમને પોલીસ ચોકીમાં બોલાવ્યા બાદ આગળની તપાસમાં હેરાન પરેશાન નહીં કરવા માટે રૂપિયા 1 લાખની લાંચ ની માંગણી કરી હતી. આ રકમ એસ.ઓ.જી. માં ફરજ બજાવતા પોલીસ કર્મચારી રવિભાઈ ગોવિંદભાઈ શર્માને આપવા માટેનું નક્કી થયું હતું. પરંતુ અરજદાર તે રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે રાજકોટ એસીબીને સંપર્ક કરતાં બુધવારે રાત્રે જામનગરના સમર્પણ સર્કલ વિસ્તારમાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.
આ સફળ ટ્રેપને લઈને જામનગરના પોલીસ બેડામાં ભારે હલચલ મચી ગઈ
રાજકોટ એસીબીએ પીએસઆઇ અને રાઇટર વતી રૂપિયા 1 લાખની લાંચની રોકડ રકમ લેવા માટે આવેલા એસ.ઓ.જી.ના પોલીસ કર્મચારી રવિ ગોવિંદભાઈ શર્માને એક લાખની રોકડ રકમ સાથે રંગે હાથ ઝડપી લીધો હતો. ત્યારબાદ પૂછપરછમાં તેણે પી.એસ.આઇ.આર.ડી ગોહિલ અને રાઈટર ધનાભાઈ મોરી વતી લાંચની રકમ મેળવી હોવાનું કબૂલ્યું હતું. આ સફળ ટ્રેપને લઈને જામનગરના પોલીસ બેડામાં ભારે હલચલ મચી ગઈ છે.












