નુપુર શર્માની વધી મુશ્કેલી, હવે બંગાળ પોલીસે પાઠવ્યું સમન્સ
પયગંબર મહોમ્મદ પર વિવાદ બાદ ભાજપની પૂર્વ નેતા નુપુર શર્માની મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. દિલ્હી, મુંબઈ અને થાણે બાદ હવે પશ્ચિમ બંગાળ પોલીસે તેમને સમન્સ પાઠવીને 20 જૂને હાજર થવા જણાવ્યું છે. પયગંબર મહોમ્મદ પર વિવાદાસ્પદ ટીપ્પણીના મામલામાં તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલામાં ભાજપ પ્રવક્તા નુપુર શર્માએ 20 જૂન અથવા તે પહેલા નારકેલડાંગા પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડશે.
આ સિવાય ટીએમસીના લઘુમતી સેલ દ્વારા પણ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. પૂર્વ મિદનાપુરના કોંટાઈ પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધવામાં આવ્યો છે. આ પહેલા મુંબઈ પોલીસે નૂપુર શર્માને પયગંબર મહોમ્મદ વિશેની વિવાદાસ્પદ ટિપ્પણી માટે બીજી વખત સમન્સ જારી કર્યું હતું. મુંબઈ પોલીસે નુપુર શર્માને 25 જૂને તેનું નિવેદન નોંધવા માટે સમન્સ પાઠવ્યું છે.
નુપુર વિરુદ્ધ મુંબઈ અને થાણેમાં પણ કેસ
ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નુપુર શર્મા વિરુદ્ધ મુંબઈ, થાણે અને પાયધોનીમાં પણ કેસ નોંધાયેલા છે. મુંબ્રા પોલીસે નુપુર શર્માને સમન્સ પાઠવ્યું છે. પોલીસે નુપુરને 22 જૂને હાજર થવા માટે કહ્યું છે. નુપુર શર્મા વિરુદ્ધ પાયધોનીમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. રઝા એકેડેમી દ્વારા તેમની સામે આ કેસ નોંધવામાં આવ્યો હતો.
નુપુર વિરુદ્ધ દિલ્હીમાં પણ કેસ
આ સિવાય નુપુર શર્મા વિરુદ્ધ દિલ્હીમાં પણ કેસ નોંધાયેલ છે. દિલ્હી પોલીસે નુપુર શર્મા અને નવીન જિંદાલ, AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી, વિવાદાસ્પદ સંત યતિ નરસિમ્હાનંદ વિરુદ્ધ FIR નોંધી છે. આ તમામ સામે કથિત રીતે જાહેર શાંતિ ભંગ કરવા અને સોશિયલ મીડિયા પર લોકોને ઉશ્કેરતી પોસ્ટ શેર કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. માહિતી આપતા, દિલ્હી પોલીસના પીઆરઓ સુમન નલવાએ કહ્યું કે સોશિયલ મીડિયા પર અન્ય ધર્મો પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનારાઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.