

દેશના પાડોસી દેશ એવા પાક્સિતાનની સ્થિતિ દિનપ્રતિદિન ખરાબ બનતી જાય છે. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ હફીઝે હાલમાં જ ટ્વિટર પર લખ્યું હતું કે લાહોરમાં પેટ્રોલ પંપોમાં ઈંધણ નથી કે એટીએમમાં પૈસા નથી. એનાથી આર્થિક સંકટને લઈને નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પાકિસ્તાનની સ્થિતિની વાત કરીએ તો પાકિસ્તાન એક મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. આ સંકટ વચ્ચે પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે એક જ ઝાટકે ડીઝલ-પેટ્રોલના ભાવ પ્રતિ લિટરે રૂ. 30 સુધી વધારીને સામાન્ય માનવીની હાલત કફોડી કરી દીધી છે. વધતી મોંઘવારી, રેકોર્ડબ્રેક ઈંધણની કિંમત, અસ્થિર રાજકીય માહોલ. છેલ્લા અનેક મહિનાઓથી પોતાની ખખડધજ અર્થવ્યવસ્થાને સંભાળવામાં લાગેલું પાકિસ્તાન એમાં સફળ થતું જોવા મળતું નથી. એનાથી દુનિયાની સૌથી વધુ વસતિવાળા દેશોમાં વધુ એક ભારતના આ પડોશી દેશની સામે શ્રીલંકાની જેમ આર્થિક સંકટમાં ફસાવાની આશંકા પ્રબળ બની છે. પાકિસ્તાન સરકાર 1 જૂનથી વીજળીના ભાવમાં પ્રતિ યુનિટ 5 રૂપિયા સુધીનો વધારો કરી શકે છે. એવું માનવામાં આવે છે કે વીજળીના ભાવમાં પ્રતિ યુનિટ 12 રૂપિયાનો વધારો થઈ શકે છે, જેમાંથી વીજળી સબસિડી નાબૂદ થવાને કારણે યુનિટદીઠ 5 રૂપિયાનો વધારો થશે. અગાઉ ગયા મહિને પણ પાકિસ્તાનમાં વીજળી મોંઘી થઈ હતી અને એમાં પ્રતિ યુનિટ રૂ. 4.80નો વધારો કરવામાં આવ્યો હતો.