ઉત્તર ગુજરાત

દાંતીવાડા ડેમમાં ડુબતા યુવકને પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી બચાવ્યો

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા ડેમના છેવાડાના ભાગ એટલે કે રણાવાસ ગામની સીમમાં ડેમમાં ભરાયેલા પાણીમાં ડુબતા યુવકને પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી સહી સલામત બહાર કાઢી બચાવી લીધો છે.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસમાં પડેલા ભારે વરસાદના કારણે બનાસ નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થવાથી દાંતીવાડા અને આજુબાજુ ગામના લોકો ડેમનું પાણી જોવા આવતા હોય છે.

આ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે દાંતીવાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.ડી.ચૌધરી તથા પોલીસ સ્ટાફના માણસો ગુરુવારે સાંજના સાતેક વાગ્યાના સુમારે બંદોબસ્ત પેટ્રોલીંગમા હતા. દરમ્યાન જાણવા મળ્યું કે, દાંતીવાડા ડેમના છેવાડાના ભાગે અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના રણાવાસ ગામની સીમમાં ડેમમાં ભરાયેલ પાણીમાં કોઇ માણસ ડુબે છે. તેવી હકીકત જાણવા મળતા ડેમ ઉપર હાજર સ્થાનિક તરવૈયા ચંપુસિંહ રામનગર ના ધુડસિંહ વાઘેલા તથા બાબરસિંહ જગતસિંહ વાઘેલા તથા પોલીસ સ્ટાફના માણસોને સાથે લઇ તાત્કાલિક રણાવાસ ગામની સીમમાં ડેમના છેવાડાના ભાગે ગયા તે સમયે અંધારુ થવા આવ્યું હતું.

ડુબતા યુવક- humdekhengenews

તે વખતે એક માણસ પાણીમાં ડુબતો હોઇ બચવા માટે બચાવો….બચાવો….ની બુમો પાડતો હોઇ જેથી તાત્કાલીક ઓપરેશન હાથ ધરી સ્થાનિક તરવૈયાઓને પાણીમાં ઉતારી ડુબતા માણસને બહાર કાઢી બચાવી લીધો હતો. જેનું નામ પુછતા અમીરગઢ ના ઉપલાખાપા ગામનો કીકાભાઇ સોનાભાઇ ડુંગાઇચા હોવાનુ જણાવ્યું છે. અને રણાવાસ ગામના પરાગભાઇ રામાભાઇ મુંજીના ખેતરમાં ભાગેથી ખેતી કરે છે. પોતાના છાપરા ઉપરનુ પ્લાસ્ટીકનુ મીળીયુ પાણીમાં તણાઇ ગયું હોવાથી તે લેવા માટે પાણીમા ઉતર્યો હતો. તેને દાંતીવાડા પોલીસે તરવૈયાઓની મદદથી પાણીમાંથી સહી સલામત બહાર કાઢી તેમના ભાઇ અનાભાઇ સોનાભાઇ ડુંગાઇચા તથા રણાવાસના ખેતર માલીક પરાગભાઇ રામાભાઇ મુંજી ને બોલાવી તેઓને સુપરત કરી દીધો છે. પાણીમાં ડુબતા યુવકને બચાવી દાંતીવાડા પોલીસે એક વ્યક્તિને નવજીવન પ્રદાન કર્યુ છે. તેથી પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.

Back to top button