રાજકોટ શહેરના તમામ શૈક્ષણિક સંકુલો – હોસ્ટેલોમાં પોલીસના દરોડા
- મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયા બાદ પોલીસ કમિશનર આકરા પાણીએ
- ક્રાઈમ બ્રાંચ, એસઓજી સહિત પોલીસની અલગ અલગ ટુકડીઓ હોસ્ટેલોમાં ત્રાટકી
- દરેક સંસ્થાઓમાં અભ્યાસ કરતા કે રહેતા છાત્રોના એક – એક રૂમમાં ચેકિંગ કરાયું
રાજકોટ શહેરની ભાગોળે મોરબી રોડ પર આવેલ મારવાડી યુનિવર્સિટીનાં કેમ્પસમાંથી ગઈકાલે રાત્રે ગાંજાનું વાવેતર ઝડપાયા બાદ પોલીસ તંત્ર અચાનક જ હરકતમાં આવી ગયું છે અને આ ઘટનામાંથી ધડો લઈ આજે બપોર બાદ શહેરના તમામ શૈક્ષણિક સંકુલો તથા હોસ્ટેલોમાં પોલીસે દરોડા પાડયા છે અને હોસ્ટેલોમાં રહેતાં વિદ્યાર્થીઓના રૂમોમાં મોટાપાયે ચેકીંગ હાથ ધરતાં વિદ્યાર્થી વર્ગમાં ફફડાટ ફેલાઈ જવા પામેલ છે.
50થી વધુ ટીમના દરોડા
મળતી માહિતી મુજબ મારવાડી યુનિવર્સિટીની ઘટના બાદ આજે બપોરે અચાનક જ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે શહેરના તમામ પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈને તેમજ ક્રાઈમ બ્રાંચ, એસઓજી, પેરોલ ફર્લો સ્કોર્ડને રાજકોટ શહેરમાં નશાના કારોબાર કરતાં શખ્સો ઉપર તેમજ આવા નશા કરતાં વિદ્યાર્થીઓ ઉપર તુટી પડવા આદેશ આપ્યો હતો. જેને પગલે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચના ઈન્ચાર્જ ડીસીપી અને એસીપી બી.બી.બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચના પીઆઈ વાય.બી.જાડેજા, પીઆઈ એલ.એલ.ચાવડા તેમજ પીઆઈ બી.ટી.ગોહિલની અલગ અલગ ટીમો ઉપરાંત એસઓજી અને શહેરના તમામ પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈની 50 થી વધુ ટીમોએ દરોડા પાડવાનું શરૂ કર્યુ છે.
ક્યાં – ક્યાં વિસ્તારમાં પોલીસે કરી તપાસ ?
રાજકોટ શહેરમાં આવેલ તમામ બોયઝ તેમજ ગર્લ્સ હોસ્ટેલ તેમજ રાજકોટ શહેરની ભાગોળે અને આસપાસ આવેલી શૈક્ષણિક સંકુલો અને હોસ્ટેલમાં એક એક રૂમ અને ખુણે ખુણે તપાસ શરૂ કરી છે. મારવાડી યુનિવર્સિટીના ગાંજા પ્રકરણના પડઘા પડયા છે અને આવા ગંભીર બનાવ બાદ પોલીસ કમિશ્નરે શહેરની તમામ પોલીસને દરોડા પાડવાનો આદેશ આપતાં રાજકોટ શહેરભરની પોલીસ દોડતી થઈ ગઈ છે.
રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારો જેવા કે કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, રૈયા રોડ તેમજ યાજ્ઞીક રોડ તથા મોરબી રોડ અને કુવાડવા રોડ આસપાસ આવેલી શૈક્ષણિક સંકુલોની હોસ્ટેલો તેમજ ખાનગી હોસ્ટેલોમાં પોલીસની ટીમે સપાટો બોલાવી દીધો છે અને આવા નશા કરતાં વિદ્યાર્થીઓને ઝડપી લેવા માટે પોલીસે મેગા ઓપરેશન શરૂ કરી હોસ્ટેલનાં ખુણેખુણાની તલાસી લીધી છે.