રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે શું કહેવું. પોલીસ દ્વારા નિયમોને તોડે અને કાયદાનુ ઉલ્લંઘન કરે તો તેમની સામે કોણ એક્શન લે. આવી જ લુખ્ખાગીરીનો મામલો રાજકોટમાં સામે આવ્યો છે, અને તે પણ પોલીસવાળાઓનો. ઘટના રવિવાર રાતની છે. ક્રાઇમ બ્રાંચના પોલીસમેને તેના સાત મિત્ર સાથે ઇંડાંની લારીએ નાસ્તો કર્યો હતો. નાસ્તા બાદ લારી સંચાલકે પૈસા માંગતા મામલો બિચકાયો હતો. મફતમાં ખાવા ટેવાયેલા આ પોલીસે મિત્રો સાથે મળી લારી-સંચાલકના 12 વર્ષના પુત્રને 14 ધોકા ફટકાર્યા હતા.
‘અમે પોલીસ છીએ કહી’ રૂપિયા કહીને રૂપિયાન ન આપ્યા અને માર માર્યો
અગાઉ પણ ફરિયાદી પાસેથી પણ તોડ કરવા માટે પંકાયેલી ક્રાઇમ બ્રાંચના તત્કાલીન પીઆઇ સહિતના સ્ટાફની બદલી અને સસ્પેન્ડ કર્યા સહિતનાં પગલાં લેવાયા હતા. છતાં ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓના માનસમાંથી હજુ પણ ખાખીનો રોફ જતો નથી
હેમુ ગઢવી હોલ પાસે ઇંડાંની લારી રાખીને ધંધો કરતાં રજાક પીપરવાડિયાએ જણાવ્યું હતું કે, રવિવારે રાત્રે 12 વાગ્યાના અરસામાં પોતે પોતાની લારીએ હતો ત્યારે ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા ધમભા ઝાલા, તેની સાથે ગજુભા પરમાર, નવદીપસિંહનો વિકલાંગ પિતરાઇ ભાઇ તથા પાંચ અજાણ્યા શખ્સ લારીએ નાસ્તો કરવા આવ્યા હતા. આઠેય લોકોએ ભરપેટ નાસ્તો કર્યા બાદ ચાલતી પકડતાં લારી સંચાલક રજાકે પૈસા માગતાં ક્રાઇમ બ્રાંચના પોલીસમેન ધમભા ઝાલાનો પિત્તો ગયો હતો અને તેણે ખાખીનો રોફ જમાવ્યો હતો, તેની સાથે રહેલા તેના સાત મિત્ર પણ બેફામ બન્યા હતા, અને લારી સંચાલક રજાકના 12 વર્ષના પુત્ર હૈદરને ટાર્ગેટ કર્યો હતો.
ખાખીની લુખ્ખાગીરી
પોલીસમેન ધમભા ઝાલા સહિત આઠેય શખ્સ ધોકા લઇને માસૂમ હૈદર પર તૂટી પડ્યા હતા, પુત્રને બચાવવા દોડેલા રજાક પીપરવાડિયાને પણ પોલીમેનની આ ગેંગે ઢોરમાર માર્યો હતો, પોલીસમેનની લુખ્ખાગીરીથી લારીએ નાસ્તો કરવા આવેલા અન્ય શહેરીજનોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. પોલીસમેન સહિતના શખ્સોએ લારીમાથી ઇંડાં સહિતની વસ્તુઓ રસ્તા પર ફેંકી દીધી હતી અને ખુરશી ટેબલને પણ લાતો મારી હતી.
શું ન્યાય મળશે?
પિતા પુત્રની સારવાર માટે હોસ્પિટલમાં લઈને દોડ્યા હતા. ન્યાય માટે પરિવારજનોએ સવારના 5 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હતા, છતાં આ મામલે હજુ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. ત્યારે સવાલ એ છે કે, તમે પોલીસ છો તો શું, મફતમાં ખાવાનો પરવાનો છે? પોલીસ અધિકારાઓને ખાખીના રોફ બતાવવાનો પાવર કોણે આપ્યો? વર્દી પહેરીને પોલીસ અધિકારીઓ ગમે તેવી મનમાની કેવી રીતે કરી શકે? શું આવા પોલીસ અધિકારીઓ પર પગલા લેવાશે? શું પીડિતા પિતા-પુત્રને ન્યાય મળશે?