ડમીકાંડમાં પોલીસે વધુ બે આરોપીઓને દબોચ્યા, અત્યાર સુધીમાં 8 ની ધરપકડ
છેલ્લા 11 વર્ષથી રાજ્ય સરકારની નાક નીચે ચાલતું ડમીકાંડનો ભાંડો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા ફોડ્યા બાદ પોલીસને પણ એક પછી એક સફળતા આ મામલે મળી રહી છે. ડમીકાંડ મામલે પોલીસે વધુ 2 આરોપી મિલન બારૈયા અને વિરમદેવસિંહની ધરપકડ કરી છે. ભાવનગર પોલીસ ડમીકાંડ મામલે છેલ્લા ઘણા દિવસોથી કાર્યવાહી કરી રહી છે ત્યારે આ મામલે અત્યારસુધી પોલીસ દ્વારા 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મિલન અને વિરમદેવસિંહની ધરપકડ બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ડમીકાંડમાં આ બે આરોપી સહિત હવે કુલ 38 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : નરોડા ગામ કેસમાં આજે સ્પેશિયલ કોર્ટનો નિર્ણય સંભવ, માયાબેન કોડનાની અને બાબુ બજરંગી પણ આરોપી
ઝડપાયેલા બે આરોપીમાંથી 42 વર્ષીય વિરમદેવસિંહ ગુજરાત એસટી વિભાગમાં ફરજ બજાવે છે. ઝડપાયેલા બંને આરોપી મિલન ઘુઘાભાઈ બારૈયા સરતાનપર અને વિરમદેવસિંહ નાગભા ગોહિલ ઉમરાળા વડોદ તાલુકાના રહેવાસી હોવાની માહિતી મળી છે. મળતી માહિતી મુજબ આરોપી મિલને અત્યારસુધી સાત કરતાં વધુ ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી છે. જેમાં વિવિધ સરકારી અને ધોરણ 12 ની પરીક્ષાનો સમાવેશ થાય છે. તેણે આ પરિક્ષાઓ ભાવનગર અને અમરેલીમાં ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી. વધુમાં મળતી માહિતી મુજબ મિલન એક પરીક્ષા આપવાના 25000 જેટલા રૂપિયા લો હતો.