બાબા સિદ્દિકીની હત્યામાં લોરેન્સ બિશ્નોઈ કનેક્શન બાદ કચ્છમાં પોલીસ સતર્ક થઇ
- બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધા બાદ લોરેન્સ ગેંગ ફરી ચર્ચામાં
- અગાઉ લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યો કચ્છમાંથી પકડાયા છે
- કરોડો રૂપિયાના આ ડ્રગ્સનો ઓર્ડર લોરેન્સ બિશ્નોઈએ આપ્યો
મુંબઈમાં એન.સી.પી.ના નેતા બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધા બાદ લોરેન્સ ગેંગ ફરી ચર્ચામાં આવી છે. ત્યારે, અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર દીવાલ પર ફાયરીંગ ઘટના હોય કે કરોડોનું ડ્રગ્સ પ્રકરણ કે પછી પંજાબના સિંગર સિધ્ધુ મુસાવાલાની હત્યા, આ તમામ ચર્ચાસ્પદ પ્રકરણમાં જેની સંડોવણી ખુલ્લી છે તેવા લોરેન્સ ગેંગના સભ્યો કચ્છમાંથી પકડાયા છે.
સિધ્ધુ મુસેવાલાની હત્યાના આરોપીઓ પણ કચ્છથી પકડાયા
એનસીપી નેતા સિદ્દીકીની હત્યામાં લોરેન્સ કનેકશન બાદ ફરી એક વખત કચ્છ પોલીસ સર્તક બની છે. દેશભરમાં ચર્ચા જગાવનારી ઘટનાઓમાં સલમાન ખાનના ઘર પર ફાયરીંગ કરનારાઓ આરોપીઓ માતાના મઢથી પકડાયા હતા. જયારે સિધ્ધુ મુસેવાલાની હત્યાના આરોપીઓ પણ કચ્છથી પકડાયા હતા. તેમજ ડ્રગ્સ પ્રકરણમાં પણ લોરેન્સ બિશ્નોઈને નલિયા કોર્ટમાં ત્રણ વખત રજૂ કરવામાં આવ્યો હતો.
જખૌ દરિયામાંથી પાકિસ્તાની બોટ આંતરીને તેમાંથી 194 કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડી પાડયો
અગાઉ ગુજરાત એટીએસની ટીમે કચ્છના જખૌ દરિયામાંથી પાકિસ્તાની બોટ આંતરીને તેમાંથી 194 કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડી પાડયો હતો. જે બોટમાંથી એટીએસની ટીમે મોહમદ શફી, ઈમરાન, મોહસીન, જહુર, સોહેલ અને કામરાનને પકડી પાડયા હતા. આ શખ્શોની પૂછપરછ દરમિયાન બહાર આવ્યું હતું કે, કરોડો રૂપિયાનો આ ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાની ડ્રગ્સ માફિયા અબ્દુલાએ બલુચિસ્તાનના દરિયા કિનારેથી ભરાવ્યો હતો અને તે જથ્થો જખૌના દરિયામાં જુમ્મા કોલ સાઈનવાળી બોટમાં આપવાનો હતો.
કરોડો રૂપિયાના આ ડ્રગ્સનો ઓર્ડર લોરેન્સ બિશ્નોઈએ આપ્યો
કરોડો રૂપિયાના આ ડ્રગ્સનો ઓર્ડર લોરેન્સ બિશ્નોઈએ આપ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. તપાસમાં લોરેન્સ બિશ્નોઈની સંડોવણી સામે આવ્યા બાદ તેની એટીએસ દ્વારા કસ્ટડી મેળવવામાં આવી હતી. લોરેન્સ બિશ્નોઈ સામે પાકિસ્તાનથી 200 કરોડનું ડ્રગ્સ મંગાવવાનો તેના પર આરોપ છે. આ સમગ્ર કેસમાં લોરેન્સ બિશ્નોઈને નલિયા કોર્ટમાં ત્રણ વખત રજુ કરવામાં આવ્યો હતો.