ડીસામાં અપહરણ કરાયેલા બે બાળકોને પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યા
ડીસા, 1 ડિસેમ્બર 2023, શહેરમાં બે દિવસ અગાઉ બે બાળકોના અપહરણની ફરિયાદ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને બાળકો ને શોધી કાઢ્યા હતા. બંને બાળકો હેમખેમ ઘરે પરત આવતા જ પરિવારે હાશકારો અનુભવ હતો.
ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે અપહરણની ફરિયાદ
રાજસ્થાનના સાંચોર તાલુકાના વતની અને ડીસામાં શુભમ પાર્ટી પ્લોટ પાસે રહેતા ભુરાભાઈ ઠાકોર કડિયા કામ કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે બે દિવસ અગાઉ અચાનક તેમના બે બાળકો જયેશ (ઉ.વ. 10) અને પૂજા (ઉ.વ. 8 ) ગુમ થઈ ગયા હતા જેથી તેમણે આજુબાજુમાં શોધખોળ કરી હોવા છતાં પણ તેમના બાળકો ન મળતા કોઇ અજાણ્યો શખ્સ તેમના બાળકોનું અપહરણ કરી ગયો હોવાની શંકા જતા તેમને તરત જ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે અપહરણની ફરિયાદ કરી હતી. પોલીસે પણ બાળકોના અપહરણની ફરિયાદ નોંધાતા જ તપાસ શરૂ કરી હતી.
ગણતરીના કલાકમાં બંને બાળકોને શોધી નાંખ્યા
બે બાળકોનું અપહરણ થયું હોવાની માહિતી મળતા જ ડીસા શહેર દક્ષિણ પોલીસ તરત જ સતર્ક બની હતી અને અલગ અલગ ટીમો બનાવી બાળકોની શોધખોળ શરૂ કરી હતી અને દિવસ રાત હ્યુમન સોર્સ અને ટેકનીકલ સર્વેલન્સની મદદથી તપાસ કરી પોલીસે ગણતરીના કલાકમાં બંને બાળકોને પાટણના સમી તાલુકાના રુપપુરા ગામેથી શોધી કાઢ્યા હતા અને બંને બાળકોને લાવી તેમના પરિવારજનોએ હાશકારો અનુભવ હતો.
આ પણ વાંચોઃ ડીસાના માણેકપુરામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા મામલે TDOને રજૂઆત