અમદાવાદગુજરાત

અમદાવાદઃચૂંટણી કામગીરીનો અસ્વીકાર કરતાં પોલીસે શિક્ષિકાની અટકાયત કરી

Text To Speech

અમદાવાદ, 01 એપ્રિલ 2024, ગુજરાતમાં શિક્ષકોને ચૂંટણીની કામગીરી માટે ઓર્ડર કરવામાં આવ્યાં છે. ત્યારે અમદાવાદના એક શિક્ષિકાને BLOની કામગીરી સોંપાતા તેઓ કામગીરી માટે હાજર થઈ શક્યા નહોતા અને તેનો અસ્વીકાર કર્યો હતો. જેથી પોલીસે આજે આ શિક્ષિકાની અટકાયત કરી હતી. પોલીસે શિક્ષિકાને મામલતદાર સમક્ષ રજૂ કર્યા હતાં. જ્યાં કામગીરી નહીં સ્વીકારવા માટે સાસુ-સસરા બિમાર હોવાનું કારણ આપ્યું હતું.

શિક્ષિકાની રજૂઆત સાંભળીને તેમની માગ સ્વીકારાઈ
અમદાવાદમાં ચેનપુર પ્રાથમિક શાળામાં એક મહિલા શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમની 1 ફેબ્રુઆરી 2024ના રોજ બૂથ લેવલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે હાજર થવા માટે ટેલિફોનિક અને લેખિતમાં સ્કૂલના આચાર્ય મારફત જાણ કરવામાં આવી હતી. 1 ફેબ્રુઆરીથી તેઓ હાજર થયાં નહોતાં અને હુકમનો અનાદર કર્યો હતો. જેથી ઘાટલોડિયા વિધાનસભા મત વિભાગ અને પ્રાંત અધિકારી અમદાવાદ પશ્ચિમ દ્વારા સાબરમતી પોલીસને શિક્ષિકાની અટકાયત કરવા માટે વોરંટ આપવામાં આવ્યું હતું. વોરંટ આવતાં જ સાબરમતી પોલીસે ચેનપુર ખાતેની સ્કૂલેથી મહિલા શિક્ષકની અટકાયત કરી હતી અને તેમને ગોતા મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવ્યાં હતાં જ્યાં તેમની રજૂઆત સાંભળીને તેમની માગ સ્વીકારવામાં આવી છે.

વોરંટ બજાવીને કચેરીમાં હાજર કરવામાં આવ્યાં
આ અંગે અમદાવાદ પશ્ચિમના પ્રાંત અધિકારી ઉમંગ પટેલે જણાવ્યું હતું કે મહિલા શિક્ષક ઓર્ડર કર્યા છતાં હાજર ન થતાં તેમને વોરંટ બજાવીને કચેરીમાં હાજર કરવામાં આવ્યાં. તેમની રજૂઆત સાંભળીને તેમનો તેમના ઘરથી નજીક ઓર્ડર કરવામાં આવ્યો છે. હિનલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે હું ગોતા વિસ્તારમાં રહું છું અને મારો મારા નિવાસસ્થાનેથી દૂર ઓર્ડર થયો હતો પરંતુ મારા પરિવારમાં સાસુ-સસરા બીમાર હોવાથી મેં મારા ઘર નજીક ઓર્ડર માગ્યો હતો. આજે મેં રજૂઆત કરી જેથી મને મારા ઘરથી નજીક ઓર્ડર કરી આપવા જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃમતદાન જાગૃતિ અંગે કચ્છની શાળા-કોલેજોમાં મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

Back to top button