રાજ્ય સરકાર દ્વારા હાલમાં સ્પાના ઓઠા હેઠળ પરપ્રાંતીય યુવતીઓને બોલાવી તેમની પાશેથી દેહ વ્યાપાર કરાવવામાં આવતા હોવાની ફરિયાદને ચિંતાનો વિષય ગણી તેની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પગલે ગઈકાલથી જ રાજ્યના જુદા-જુદા શહેરોમાં સ્પામાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. પોલીસ વિભાગ પાસેથી મળતી પ્રાથમિક આંકડાકીય માહિતી મુજબ ગુરૂવારે સાંજ સુધીમાં રાજ્યભરમાં લગભગ 1500થી વધુ સ્થળોએ ચકાસણી કરવામાં આવી છે. જે પૈકી લગભગ 250 જેટલા ગુનાઓ નોંધી સેંકડો શખસો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ અધિકારીઓ સાથેની બેઠકમાં અપાઈ સૂચના
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ ગેરકાયદે પ્રવૃત્તિ તાત્કાલીક ડામી દેવાના આદેશ આપ્યા છે ત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા રાજ્યના તમામ રેન્જના આઈજીપી, જિલ્લા પોલીસવડા, કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી બેઠક યોજી સ્પાની આડમાં ચાલતી દેહ વ્યાપારની ગેરકાયદે પ્રવૃત્તિ તથા મંજૂરી વિના ચાલતા સ્પા ઉપર દરોડા પાડવાની સૂચના આપવામાં આવી હતી. જેના પગલે આ કાર્યવાહી ગઈકાલે સાંજે જ આરંભી દેવામાં આવી હતી.
કઈ-કઈ બાબતોની થશે ચકાસણી ?
પોલીસ સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ, કોઈપણ સ્પામાં દરોડા દરમિયાન તેની પાસે મંજૂરી છે કે નહીં ? ક્યાં પ્રકારનો સ્ટાફ છે ? કઈ-કઈ પ્રવૃત્તિ થાય છે ? આસપાસના રહેવાસીઓની કોઈ ફરિયાદ છે કે કેમ ? કોઈ વિદેશી યુવતીઓ કામ કરે છે તો તેની પાસે વિઝા છે ? સ્પામાં કામ કરતા પરપ્રાંતીય કે વિદેશી કર્મચારીઓ અંગે પોલીસમાં જાણ કરી છે ? વગેરે જેવી બાબતોની ચકાસણી કરવામાં આવશે.