સીએમ યોગીના ડીપફેક વીડિયો મામલે નોંધાઈ પોલીસ ફરિયાદ, ફેસબુક પાસે માંગ્યો જવાબ
- લખનઉ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સાયબર ગુનેગારો વિરુદ્ધ 2 FIR નોંધાઈ
લખનઉ, 10 માર્ચ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ડીપફેક વીડિયોના મામલામાં લખનઉના સાયબર પોલીસ સ્ટેશનમાં 2 ફરિયાદ નોંધવામાં આવી છે. ડીપફેક વીડિયોમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ચહેરાનો ઉપયોગ કરીને દવાઓ ખરીદવાની અપીલ કરવામાં આવી રહી છે. પોલીસે ફેસબુક હેડક્વાર્ટર પાસેથી જવાબ માંગ્યો છે. હકીકતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી સાયબર ગુનેગારોએ ડીપફેક વીડિયો બનાવ્યો અને મુખ્યમંત્રી પાસેથી ડાયાબિટીસની દવાનો પ્રચાર કરાવી નાખ્યો. આ સિવાય અન્ય એક વીડિયોમાં પણ સીએમ યોગી આદિત્યનાથ દ્વારા બીજી દવા ખરીદવાની અપીલ કરવામાં આવી હતી.
વીડિયો અંગે કરવામાં આવી રહી છે કાર્યવાહી
બે ટીમો આ કેસોની તપાસમાં કરી રહી છે અને ફેસબુક પાસેથી બંને એકાઉન્ટની માહિતી માંગવામાં આવી છે. AI દ્વારા વીડિયોમાં સામેલ કરવામાં આવેલા ઓડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે, ‘દવા ભારતીય વૈજ્ઞાનિકોએ તૈયાર કરી છે. જે પણ આ વેબસાઈટ પરથી દવા ખરીદશે તેને ભગવાનનો આદર(સન્માન) મળશે.” લોકોને છેતરવા માટે વીડિયોમાં સીએમના ચહેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ પહેલા પણ ઘણી મોટી હસ્તીઓના ડીપફેક વીડિયો બનાવવામાં આવ્યા
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ઘણી મોટી હસ્તીઓના ડીપફેક વીડિયો બનાવવામાં આવ્યા છે. સૌથી પહેલા એક્ટ્રેસ રશ્મિકા મંદાનાનો ડીપફેક વીડિયો બહાર આવ્યો હતો, જેણે લોકોનું ખૂબ જ ધ્યાન ખેંચ્યું હતું. આ પછી પોલીસે કાર્યવાહી કરી અને ઘણા આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ સારા તેંડુલકર અને શુભમન ગિલનો ડીપફેક વીડિયો પણ બહાર આવ્યો હતો.
આ પણ જુઓ: ‘હનુમાન’ ફિલ્મ OTT પર રિલીઝ થવા માટે તૈયાર, જાણો ક્યાં અને ક્યારે જોઈ શકાશે આ ફિલ્મ?