માનવતાના દર્શન, રિક્ષાચાલકે 13 લાખના કિંમતના હીરા પરત કરતા પોલીસ કમિશનરે સન્માન કર્યુ
સુરત : કાપોદ્રા વિસ્તારમાં કામ કરતા ડિલિવરી બોયના ખિસ્સામાંથી 13 લાખના કિંમતી હીરાનું પડીકું રસ્તામાં પડી ગયુ હતું. જે કાપોદ્રા પોલીસે સીસીટીવી કેમેરાના આધારે રિક્ષાચાલક પાસેથી શોધી કાઢીને મૂળ માલિકને પરત કર્યુ હતું. જેને લઈને પોલીસ કમિશનરે પોલીસકર્મી અને રિક્ષાચાલકનું સન્માન કર્યુ હતું. સાથે હીરાના માલિકે રિક્ષા ચાલકની ઈમાનદારીની કદર કરી તેને પ્રોત્સાહિત કરતાં ઇનામ આપ્યું હતું.
રિક્ષાચાલકની માનવતા
સુરત શહેરમાં હીરાના ઉદ્યોગમાં રોજિંદા કરોડો રૂપિયાની લેવડ દેવડ થતી હોય છે. એક માર્કેટથી બીજા માર્કેટમાં હીરાની ડિલિવરી કરવામાં આવતી હોય છે. ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં ડિલિવરીમેનનું કામ કરતા જીગર ઠાકર લાખો રૂપિયાના હીરા લઈને નીકળ્યો હતો. ત્યારે 13 લાખથી વધુનું હીરાનું પેકેટ વરાછા રોડના ઓવર બ્રિજ પર પડી ગયું હતું. ત્યારે જ પાછળથી આવતા રિક્ષા ચાલકને પેકેટ દેખાતા તેમને લઈને પોતાના ઘરે મૂકી દીધું હતું. જોકે આ બાબતની જાણ ડિલિવરીમેનને થતા તેમને કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે 8 દિવસ તપાસ કરી
ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરીને સીસીટીવી ફૂટેજ તપાસ કરતા રિક્ષાચાલક દ્વારા પેકેટ લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે રિક્ષા ચાલક અસલમને શોધી કાઢ્યો હતો. તમામ 13 લાખના હીરા સહી સલામત મળી આવ્યા હતા.ત્યારબાદ હીરાના પેકેટ મૂળ માલિકને કાપોદ્રા પોલીસ દ્વારા પરત આપવામાં આવ્યા હતા. જેને લઈને પોલીસ કમિશનરે પોલીસકર્મી અને રિક્ષાચાલક અસલમનું સન્માન કર્યુ હતું. સાથે હીરાના માલિકે રિક્ષા ચાલકની ઈમાનદારીની કદર કરી તેને પ્રોત્સાહન રૂપે 11 હજારનું રોકડનું ઈનામ પણ આપ્યું હતું. કાપોદ્રા પોલીસના સ્ટાફે 8 દિવસ સુધી સીસીટીવી ફૂટેજ વર્ક આઉટ કરી કામગીરી કરી બતાવી હતી. જેને લઈને પોલીસ કમિશનર દ્વારા કાપોદ્રા પોલીસને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું
રિક્ષાચાલકે માનવતા દર્શાવી
રિક્ષા ચાલક અસલમ પાયકએ જણાવ્યું હતું કે, હું સ્ટેશનથી આવતો હતો. તે સમયે હીરાનું પેકેટ મળ્યું હતું. જેથી મેં પેકેટ સાચવીને મૂકી દીધું હતું. ત્યારબાદ પોલીસકર્મીઓ આવ્યા હતા. આ હીરાનું પેકેટ પોલીસકર્મીઓને સોપી દીધું હતું. જેથી મારું પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે સન્માન કર્યું હતું. હીરાનું પેકેટ કોઈ અજાણી વ્યક્તિને હાથે ના લાગે તે માટે મેં સાચવીને મૂકી દીધું હતું.
જીગર ઠાકરએ જણાવ્યું હતું કે, હીરા પડી જવાની ખબર પડતા હું ચોંકી ઉઠ્યો હતો. મેં તપાસ કરી તો ત્યાંથી રિક્ષાઓ પસાર થઇ હોવાનું જણાવ્યું હતું. તેથી મેં તાત્કાલિક કાપોદ્રા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે સતત 7થી 8 દિવસ તપાસ કરીને રિક્ષાચાલકને શોધી કાઢ્યો હતો. તમામ હીરા પછા મળી જતા. હું પોલીસકર્મી અને રિક્ષા ચાલકનો આભાર વ્યક્ત કરું છું. રિક્ષા વાળાની માનવતા પણ સારી છે. તેઓની માનવતા ખરેખર બિરદાવવા લાયક છે. તેથી તેઓને 11 હજાર રૂપિયાનું ઇનામ આપ્યું હતું