ખાખી પર ખાદી ભારે પડીઃ પોલીસે અકસ્માતના આરોપીને પકડ્યો, સાંસદે બે કલાકમાં છોડાવ્યો
વડોદરા, 20 ફેબ્રુઆરી 2024, શહેરના ફતેગંજ વિસ્તારમાં રવિવારે ફિઝિયોથેરાપી અને ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓને કારથી ટક્કર મારીને ભાગી ગયેલા કારચાલકને પોલીસે મહામુસીબતે પકડીને કાયદાનો પાઠ ભણાવ્યો હતો.પરંતુ વડોદરાના ભાજપના સાંસદ રંજનબેન ભટ્ટે તેને માત્ર બે કલાકમાં જ છોડાવી દીધો હતો. જ્યારે કારચાલક યુવકને ખબર પડી કે લોકો તેને પકડવા પીછો કરી રહ્યાં છે તો પીછો કરનાર લોકોને પણ કારથી ટક્કર મારવાનો પ્રયાસ કર્યો હતો. સામાન્ય લોકો પર કડકાઇ કરતી પોલીસ સાંસદ સામે ઢીલી પડી હોવાથી લોકોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. તેમનો આ વીડિયો વાયરલ થયા બાદ તેમણે મીડિયાને નિવેદન પણ આપ્યું હતું કે, હાલમાં વાયરલ થયેલા વીડિયો મુદ્દે સાંસદ રંજનબહેને મીડિયાને કહ્યું હતું કે, હું ઘરે બેઠા બેઠા પણ ફોન કરી શકતી હતી પણ મારો ભાવ એ હતો જ નહીં. હું કુશ કરતાં પણ વધારે સામા પક્ષના બાળકો માટે ગઈ હતી. જેથી તેમની ઉપર FIR ન થાય. મારો ભાવ કુશ પટેલને છોડાવી દેવાનો હતો જ નહીં, બંને પક્ષના છોકરાઓ માટે ગઈ હતી. જેણે વીડિયો વાયરલ કર્યો તે ખોટું છે.
View this post on Instagram
ફતેગંજ સર્કલ પાસે કાર ચાલકે ટક્કર મારી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે દાહોદના કટવારાનો પુષ્કર વાળંદ બરોડા મેડિકલ કોલેજના ફિઝિયોથેરાપી વિભાગમાં પહેલા વર્ષમાં ભણે છે. જ્યારે સુરેન્દ્રનગર જીઇબી કોલેજમાં રહેતો તેનો મિત્ર નૈમિક બામણિયા યુનિ.ની સમરસ હોસ્ટેલમાં રહી ફાઇન આર્ટ્સના પહેલા વર્ષમાં ભણે છે. રવિવારે 4:15 વાગ્યે બંને એક્ટિવા પર નિઝામપુરા વડાપાંઉ લેવા ગયા હતા. જોકે ફતેગંજ સર્કલ પાસે કાર ચાલકે ટક્કર મારતાં બંને પટકાતાં તેમને એસએસજીમાં ખસેડાયા હતા. બંનેને માથામાં ઇજા સાથે નૈમિકને ફ્રેક્ચર થયું હતું. અકસ્માત બાદ ચાલકે કાર પૂરઝડપે દોડવી હતી. જેથી અન્ય ટુ વ્હીલર ચાલકોએ પીછો કરતાં કાર ચાલકે ટક્કર મારવા પ્રયાસ કર્યો હતો.
વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ
રાજમહેલ રોડ પર કાર આંતરી લોકોએ કારચાલકને રાવપુરા પોલીસને હવાલે કર્યા બાદ ફતેગંજ પોલીસ મથકે લવાયો હતો. પોલીસની પુછપરછમાં આ કારચાલકે તેનું નામ કુશ પટેલ અને તે ન્યૂ સમા રોડ મુક્તિધામ સોસાયટીમાં રહે છે એવું જણાવ્યું હતું. કારમાં યુવતી સહિત 3 જણા હતાં. યુવતીના લગ્ન હોવાથી લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે ફોટોસેશન માટે જતાં હતાં. કુશના પરિવારનો સાંસદ રંજનબહેન ભટ્ટ સાથે ઘરોબો હોવાથી રાત્રે તેઓ પોલીસ સ્ટેશને દોડી ગયાં હતાં.પોલીસે કુશની ધરપકડ કર્યા બાદ સાંસદની હાજરીમાં જામીન આપી દીધા હતાં. ખુદ સાંસદ આરોપીને પોલીસ મથક બહાર લઇ ગયાં હતાં તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
આ પણ વાંચોઃગુજરાત વિધાનસભામાં હોબાળોઃ વિપક્ષના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા