રાજકોટ-જામનગર હાઈવે પર નબીરાઓને સ્ટંટ કરવા ભારે પડ્યા, 10 ધૂમ બાઇક અને બે કાર પોલીસે કરી જપ્ત


રાજકોટ, તા.16 જાન્યુઆરી, 2025: હાઇવેના ખુલ્લા રોડ પર નબીરાઓમાં સ્ટંટ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. સ્ટંટના કારણે ઘણી વખત જીવલેણ અકસ્માતો પણ સર્જાતા હોયછે. રાજકોટ-જામનગર હાઇવે પર બાઇક ચલાવી સ્ટંટ કરતા અને રેસિંગ કરનારાઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટ ગ્રામ્ય એલસીબી અને મેટોડા પોલીસ તેમજ પડધરી પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા રાજકોટ અને જામનગરના 24 જેટલા સ્ટંટબાજોની ધરપકડ કરી હતી. તેમજ 10 ધૂમ બાઇક અને બે કાર કબ્જે કરી હતી. હાઈવે પર ફિલ્મી સ્ટંટ કરીને અન્ય લોકોની જીંદગી જોખમમાં મુકનાર આ તમામ સામે પડધરી પોલીસે કાર્યવાહી કરી હતી.
રાજકોટ-જામનગર હાઈવે ઉપર પુરપાટ ઝડપે બાઈક દોડાવી તેમજ ફિલ્મી ઢબે જોખમી સ્ટંટ કરતી આ રાજકોટ અને જામનગરની ટોળકી અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મુકી રહી હતી. ટુ વ્હીલ તથા ફોરવ્હીલના જોખણી સ્ટંટ સાથે રેસીંગ કરનાર આ ટોળકીને ઝડપી લેવામાટે છેલ્લા ઘણા વખતથી પોલીસ મહેનત કરી રહી હતી.
જિલ્લા પોલીસવડા હિમકર સિંહની સૂચનાથી પોલીસે આ સ્ટંટ બાજોને પકડવા માટે જાળ બીછાવી હતી અને ગઈકાલે મોડી રાત્રે રાજકોટ-જામનગર હાઈવે પર પડધરી પાસેથી પોલીસે 24 શખ્સોને ઝડપી લીધા હતાં. પોલીસે 10 ધૂમ બાઈક અને બે કાર કબ્જે કરી તમામને સબક શીખવ્યો હતો.
જિલ્લા પોલીસવડા હિમકરસિંહની સૂચનાથી પડધરી મથકના પીઆઈ એસએન પરમાર તથા મેટોડાના પીએસઆઈ એચએસ શર્મા તેમજ એલસીબીના પીઆઈ વી.વી. ઓડેદરા, પીએસઆઈ એચ.સી. ગોહિલ સાથે એલસીબીની ટીમે કામગીરી કરી હતી.
આ પણ વાંચોઃ ઈંગ્લેન્ડ સામેની સીરિઝ પહેલા ભારતને મળ્યો નવો બેટિંગ કોચ, સૌરાષ્ટ્ર સાથે છે સંબંધ