દાહોદમાં નકલી NA પ્રકરણમાં પોલીસે APMCના ડાયરેક્ટરની ધરપકડ કરી
- પોલીસે ડાયરેક્ટરની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા
- બનાવટી હુકમને સરકારી કચેરીમાં સાચા તરીકે રજૂ કરી પ્રોપર્ટી કાર્ડ જનરેટ કર્યું
- ખોટી એન્ટ્રી બનાવી સરકારના પ્રીમિયમની ચોરી કરી હોવાનું સામે આવ્યું
દાહોદમાં નકલી NA પ્રકરણમાં પોલીસે APMCના ડાયરેક્ટરની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવતા જિલ્લાના રાજકારણમાં ચર્ચા શરૂ થઇ છે. જેમાં APMCના ડાયરેક્ટર દ્વારા કાળી તળાઈ નજીક આવેલી જમીનમાં NAના બનાવટી હુકમને સરકારી કચેરીમાં સાચા તરીકે રજૂ કરી પ્રોપર્ટી કાર્ડ જનરેટ કરાવી જમીન કૌભાંડ આચર્યું હતું.
બનાવટી હુકમને સરકારી કચેરીમાં સાચા તરીકે રજૂ કરી પ્રોપર્ટી કાર્ડ જનરેટ કર્યું
ઉલ્લેખનીય છે કે દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બનતા જમીન કૌભાંડ જેમાં NA તેમજ 73 એએના બનાવટી હુકમોને સરકારી કચેરીઓમાં સાચા તરીકે રજૂ કરી પ્રોપર્ટી કાર્ડ બનાવી એક તરફ સરકારના પ્રીમિયમની ચોરી કરી હતી તો બીજી તરફ ઉપરોક્ત જમીનોનું વેચાણ કરી મોટાભાગના ઈસમોને આર્થિક રીતે નુકસાન પહોંચાડવાના આ પૂર્વ આયોજિત કાવતરામાં અત્યાર સુધીમાં નોંધાયેલી ચાર ફરિયાદોમાં કુલ 112 જેટલા લોકો સામે નામજોગ ગુના દાખલ થયા છે અને ધરપકડનો દોર ચાલુ છે.
ખોટી એન્ટ્રી બનાવી સરકારના પ્રીમિયમની ચોરી કરી હોવાનું સામે આવ્યું
જમીન કૌભાંડમાં શંકાસ્પદ તરીકે જાહેર થયેલા સર્વે નંબરોમાં હાલ પોલીસ દ્વારા નિવેદનો લેવાની પ્રક્રિયા ચાલી રહી છે તે અરસામાં દાહોદ પોલીસે એપીએમસીના ડાયરેક્ટર નિલેશ બળદવાલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. એપીએમસીના ડાયરેક્ટર દ્વારા દાહોદ તાલુકાના કાળી તળાઈ નજીક આવેલી પ્રેમીનું સર્વે નંબર 31/10 માં બોગસ NAના હુકમના આધારે ખોટી એન્ટ્રી બનાવી સરકારના પ્રીમિયમની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: પંચમહાલમાં ગોધરા-દાહોદ હાઈવે પર કાર અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો