અમદાવાદમાં રખડતા ઢોરને પકડવાનું કામ પણ પોલીસ કરશે, એક સપ્તાહની ડ્રાઈવમાં AMCને મદદ કરશે, કાર્યમાં નિષ્કાળજી બદલ PI જવાબદાર
અમદાવાદઃ અમદાવાદમાં રખડતા ઢોરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. સુરતમાં રખડતા ઢોરને પગલે મૃત્યુને લઈને ગુજરાત હાઈકોર્ટે કડક વલણ દાખવ્યું છે. બુધવારની સુનાવણીમાં ગુજરાતમાં રખડતા પશુને લઈ સરકારને તાત્કાલિક પગલાં લેવા હાઈકોર્ટનો આદેશ આપતા કહ્યું કે સરકાર જાગે અને સ્થાનિક તંત્ર જાગે. હાઈકોર્ટના કડક નિર્દેશો બાદ પોલીસ એક્શનમાં આવી છે. પોલીસ દ્વારા રખડતા ઢોરને લઈ એક સપ્તાહની ડ્રાઈવ યોજવામાં આવી છે.જેમાં પોલીસની ટીમ AMCના અધિકારીઓની મદદમાં રહીને રખડતાં ઢોર પકડશે. જો કોઈ કામગીરી દરમિયાન હૂમલો કરવાનો પ્રયાસ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. 17 ઓક્ટોબર સુધી કામગીરી ચાલશે ત્યારે આ કામ માટે ટ્રાફિક PI અને ACP પણ મેદાનમાં ઉતરશે.
પોલીસ હાઈકોર્ટના દિશા-નિર્દેશનું પાલન કરશે
અમદાવાદમાં રસ્તા પર ઘાસચારો વેચતા લોકો સામે કાર્યવાહી કરવી અને ઢોરના કારણે થતી મુશ્કેલીઓના સંદર્ભે કડક કાર્યવાહી કરવા માટે શહેર પોલીસ દ્વારા એક સપ્તાહની એક્શન ડ્રાઈવ યોજવામાં આવી છે. રખડતા ઢોરોના અડફેટે આવતા નાગરિકોના આકસ્મિક મૃત્યુ બાદ અમદાવાદ શહેર પોલીસ એકશનમાં આવી છે. હવે પોલીસ રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટના દિશા-નિર્દેશનું પાલન કરશે. જે મુદ્દાના નિર્દેશ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે અમદાવાદ ટ્રાફિક પોલીસ માટે જાહેર કર્યા છે.
કાર્યમાં નિષ્કાળજી બદલ PI જવાબદાર ગણાશે
આજથી 17 ઓક્ટોબર સુધી આ કામગીરી ચાલશે.જેમાં પકડાયેલા ઢોર, વસુલેલ દંડ, દાખલ કરાયેલ FIR, ઘાસચારાનું વેચાણ કરતા ઈસમો, જાહેરનામાનો ભંગ કરનાર શખ્સો, ઢોર પકડવા ગયેલી પાર્ટી પર હુમલાનો બનાવ સહિતની વિગત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી મોકલાશે. આ કામ માટે ટ્રાફિક પોલીસ ઇન્સ્પેકટર અને ACP ફિલ્ડમાં ઉતરશે. જ્યારે DCP સુપરવિઝન કરશે. આ કાર્યમાં નિષ્કાળજી બદલ PI જવાબદાર ગણાશે. જ્યારે કામગીરીનો રિપોર્ટ પોલીસ ઇન્સ્પેકટરે DCP ને મોકલવાનો રહેશે. આ સમગ્ર અહેવાલ દરરોજ એડિશનલ DCP કચેરી ખાતે મોકલાશે.