પાલનપુર, અગ્નિપથ યોજનાના વિરોધ માં વિવિધ સંગઠનો દ્વારા આજે સોમવારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જો કે બનાસકાંઠા જિલ્લામાં ભારત બંધના એલાનની કોઈ અસર જોવા મળી ન હતી. અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડાએ પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો
અગ્નિપથ યોજનાનો અત્યારે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. જે અંતર્ગત વિવિધ સંગઠનોએ સોમવારે ભારત બંધનુ એલાન આપ્યું હતું. જો કે બનાસકાંઠા જિલ્લામાં આ ભારત બંધના એલાનની કોઈ જ અસર જોવા મળી ન હતી. ભારત બંધને લઈ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ ચેતવણી આપી હતી કે, અસામાજિક તત્વો શાળા,કોલેજ,દુકાનો કે લોકોને નુકશાન પહોંચાડવાનો પ્રયત્ન કરશે તો તેઓની સામે કડક કાર્યવાહી આવશે. જ્યારે વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં DYSP અને PI કક્ષાના અધિકારીની નિગરાની હેઠળ બંદોબસ્ત ગોઠવાયો હતો. વજ્રવાહન અને માઉન્ટેડ પોલીસ પણ તૈનાત કરાઈ હતી. બનાસકાંઠા જિલ્લો સરહદી વિસ્તારમાં હોઇ બોર્ડર પર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી આવતા -જતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસના કડક બંદોબસ્ત કારણે જિલ્લામાં બંધની કોઈ અસર જોવા મળી નહોતી અને કોઈ અનિચ્છનીય બનાવ પણ બનવા પામ્યો નથી.