ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઉજ્જવલા યોજના અને LPG ભાવ મુદ્દે રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી

PMUY subsidy cut: કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની વાર્ષિક મર્યાદા નવથી ઘટાડીને ચાર કરી દીધી છે. આ મુદ્દે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારની આર્થિક અને વિદેશ નીતિ પર નિશાન સાધ્યું. તેમણે X પર પોસ્ટ કરીને કહ્યું કે 12 વર્ષની ગરીબ વિરોધી આર્થિક નીતિઓ અને સમાધાનકારી વિદેશ નીતીએ આજે દેશને એવી સ્થિતિમાં મૂકી દીધો છે જ્યાં લાખો ગરીબ પરિવારો અને મહિલાઓને લાકડાના ઝેરી ધૂમાડા તરફ ધકેલી દેવામાં આવ્યા છે.

ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં 89નો વધારો: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું, “ઉજ્જવલા યોજનામાં સબસિડીવાળા સિલિન્ડરોની સંખ્યા 9થી ઘટાડીને 4 કરી દેવામાં આવી છે. વધુમાં, છેલ્લા 3 મહિનામાં ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 89 વધારી દેવામાં આવ્યા. એટલે પહેલા ભાવ વધારો, પછી સબસિડી ઘટાડો- ગરીબોના ચૂલા ઓલવી દો. મજૂરોની જીવનરેખા એવા 5 કિલોના સિલિન્ડરને પણ 323 મોંઘો કરી દેવામાં આવ્યો છે. તે કમાશે શું, ખાશે શું અને બચાવશે શું?”

રાહુલ ગાંધીએ કહ્યું, “અબજોપતિ મિત્રોના લાખો કરોડ રૂપિયાના દેવા માફ કરવા અને ગરીબોને પોતાની નિષ્ફળતાઓનો બોજ સોંપવો- આ છે લૂંટનું મોદી મોડલ. મોદીજી, શું તમારી નિષ્ફળતાનો ભાર માત્ર ગરીબો જ ઉઠાવશે? શું તમારી બનાવેલી આ ભાંગી પડેલી અર્થવ્યવસ્થાની કિંમત મજૂર, ખેડૂત, મહિલાઓ અને મધ્યવર્ગ જ ચૂકવશે?”

સરકારે સબસિડી કેમ ઘટાડી?

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સબસિડી ઘટાડવા અંગે સરકારે સોમવાર (8 જૂન 2026)એ કહ્યું કે આ ફેરફાર સરેરાશ ઘરેલુ વપરાશને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. 2016 માં શરૂ કરાયેલી આ યોજના હેઠળ, લાભાર્થીઓને શરૂઆતમાં દર વર્ષે 14.2 કિલોગ્રામના 12 સબસિડીવાળા સિલિન્ડર મળતા હતા. જો કે, ગયા વર્ષે સબસિડીવાળા સિલિન્ડરની સંખ્યા ઘટાડીને નવ કરવામાં આવી હતી, અને હવે તે વધુ ઘટાડીને ચાર કરવામાં આવી છે.

સરકારે મે 2022માં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે પ્રતિ સિલિન્ડર 200 રૂપિયાની લક્ષિત સબસિડી શરૂ કરી હતી, જેને બાદમાં ઓક્ટોબર 2023માં વધારીને 300 રૂપિયા કરવામાં આવી હતી. આ સબસિડી સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. પશ્ચિમ એશિયા સંકટ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને એલપીજીની કિંમતોમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે, જેના કારણે ભારત પર પણ અસર પડી છે.

આ પણ વાંચો: કોંગ્રેસને મોટો ઝટકો, MPથી રાજ્યસભા ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ

Back to top button