ટ્રેન્ડિંગનેશનલ

ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયો પર PMO દેખરેખ રાખી રહ્યું છે: કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી

  • હમાસના હુમલા બાદ વિદેશ રાજ્ય મંત્રીએ ઈઝરાયેલમાં હાજર ભારતીયોને લઈને નિવેદન આપ્યું છે. તેમણે ત્યાંની સ્થિતિ અને ત્યાંથી ભારતીયોને પાછા લાવવા વિશે વાત કરી છે.

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે, ત્યારે આવી સ્થિતિમાં વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ ઈઝરાયેલમાં રહેલા ભારતીયોને લઈને નિવેદન આપ્યું છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેમને આખી રાત ઈઝરાયેલમાં હાજર ભારતીયો વિશે સંદેશા મળ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે પીએમ મોદીની ઓફિસથી આ સ્થિતિ પર સીધી નજર રખાઈ રહી છે.

ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને લાવવાની તૈયારી:

કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું, “મને ગઈકાલે રાત્રે ઘણા સંદેશા મળ્યા હતા અને અમે આખી રાત કામ કરી રહ્યા હતા. ભારત સરકાર ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવાના પ્રયાસો કરી રહી છે. પીએમ મોદીએ પહેલેથી જ સંવેદના વ્યક્ત કરી છે અને ઇઝરાયેલના આ મુશ્કેલ સમયમાં અમે તેમની સાથે ઊભા છીએ. અમે આ હુમલામાં માર્યા ગયેલા તમામ લોકો અને ઘાયલ થયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ.”

દરેક ભારતીય નાગરીક પીએમઓના સંપર્કમાં છે-કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી

આ સિવાય કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારતે રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન અથવા કોરોના મહામારી દરમિયાન સફળતાપૂર્વક પોતાના નાગરિકોને વિદેશમાંથી બહાર કાઢ્યા હતા. તેમણે કહ્યું, “ચાહે તે ઓપરેશન ગંગા હોય કે વંદે ભારત, અમે તમામ નાગરિકોને પરત લાવીશું. મને ખાતરી છે કે ભારત સરકાર અને વડાપ્રધાન કાર્યાલય તે લોકોના સીધા સંપર્કમાં છે.”

બોલીવુડ અભિનેત્રી ભારત પહોંચી

હમાસના હુમલા બાદ ઈઝરાયેલે શનિવારે (7 ઓક્ટોબર) દેશમાં યુદ્ધની જાહેરાત કરી હતી. આ દરમિયાન ઇઝરાયેલમાં અટવાયેલી બોલીવુડ અભિનેત્રી નુસરત ભરૂચા ભારત પરત ફરી છે. કનેક્ટિંગ ફ્લાઈટ દ્વારા તે દુબઈ થઈને મુંબઈ પહોંચી હતી. આ પહેલા સમાચાર આવ્યા હતા કે અભિનેત્રી નુસરત ભરૂચા ઈઝરાયેલમાં અટવાઈ ગઈ છે અને કોઈ તેમનો સંપર્ક કરી શક્યું નથી. જે બાદ ભારતીય દૂતાવાસે તેની શોધ કરી હતી.

આ પહેલા શનિવારે (7 ઓક્ટોબર) રાત્રે ઇઝરાયેલમાં હાજર કેટલાક ભારતીય વિદ્યાર્થીઓનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેઓ વ્યથિત જોવા મળ્યા હતા. જોકે, વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે તેઓ ભારતીય દૂતાવાસના સતત સંપર્કમાં છે.

આ પણ વાંચો: હમાસ-ઈઝરાયેલ ઘર્ષણમાં બંને પક્ષે ૫૦૦થી વધુ મૃત્યુ

Back to top button