નેશનલવર્લ્ડ

તુર્કી ભૂકંપને લઈને PMO ની બેઠક, તુર્કીને રાહત સામગ્રી ટૂંક સમયમાં મોકલવામાં આવશે

Text To Speech

તુર્કીમાં ભૂકંપને પહોંચી વળવા માટે પીએમ મોદીના નિર્દેશ પર પીએમઓમાં તાત્કાલિક રાહત પગલાં અંગે ચર્ચા કરવા માટે એક બેઠક યોજાઈ હતી. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે સર્ચ અને રેસ્ક્યુ ટીમો, રાહત સામગ્રી સાથેની તબીબી ટીમો તુર્કી મોકલવામાં આવશે.

તુર્કીમાં સોમવારે (6 ફેબ્રુઆરી) 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં 175 લોકોના મોત થયા છે. મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તુર્કીમાં આવેલા આ ભૂકંપ પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું, તુર્કીમાં ભૂકંપના કારણે જાન-માલના નુકસાનથી હું ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના તેમજ ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ભારત તુર્કીના લોકો સાથે એકતામાં ઊભું છે અને આ દુર્ઘટનાનો સામનો કરવા માટે તમામ શક્ય મદદ કરવા તૈયાર છે. તમને જણાવી દઈએ કે, ભૂકંપના કારણે દક્ષિણ પૂર્વ તુર્કી સહિત સીરિયામાં મોટું નુકસાન થયું છે.

ભૂકંપનું કેન્દ્ર તુર્કી ગાડિયાન્ટેપેમાં હતું, જે સીરિયા સરહદથી લગભગ 90 કિલોમીટર દૂર છે. જેના કારણે સીરિયાના અનેક શહેરોમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તુર્કીમાં સવારે 4.17 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની ઊંડાઈ જમીનથી 17.9 કિલોમીટર હતી. આ તીવ્ર ભૂકંપના કારણે અનેક ઈમારતો જોતજોતામાં ધરાશાયી થઈ ગઈ હતી અને ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો.

ભૂકંપ વિશે માહિતી આપતાં તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દુગને ટ્વીટ કર્યું કે પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરી ઝડપથી ચાલી રહી છે. આ ભૂકંપ દરમિયાન લોકોએ લગભગ 6 વખત આંચકા અનુભવ્યા હતા. રાષ્ટ્રપતિએ અપીલ કરી કે અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રવેશ ન કરો.

આ પણ વાંચો : તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ, ભારે તબાહીની આશંકા

Back to top button