‘બાંગ્લાદેશ અવામી લીગ’ના પ્રમુખ તરીકે સતત 10મી વખત પીએમ શેખ હસીના ચૂંટાયા
બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના શનિવારે સતત 10મી વખત ‘બાંગ્લાદેશ અવામી લીગ’ના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. 2024ની સામાન્ય ચૂંટણીની તૈયારીઓ વચ્ચે બાંગ્લાદેશની સત્તાધારી અવામી લીગે શનિવારે વડા પ્રધાન શેખ હસીનાને પાર્ટીના વડા અને ઓબેદુલ કાદરને તેના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટ્યા હતા. અવામી લીગની 22મી રાષ્ટ્રીય પરિષદમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
વડાપ્રધાન ત્રણ વર્ષ માટે પક્ષનું નેતૃત્વ કરશે
પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, અવામી લીગના વરિષ્ઠ નેતા અમીર હુસૈન અમુએ શનિવારે કાઉન્સિલ સત્રમાં પાર્ટી અધ્યક્ષ તરીકે હસીનાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને અન્ય કાઉન્સિલરે સમર્થન આપ્યું હતું. જે બાદ મીટીંગમાં હાજર દરેકે નિર્ણય સ્વીકારી લીધો હતો. 73 વર્ષ જૂની અવામી લીગના બંધારણ મુજબ શેખ હસીના આગામી ત્રણ વર્ષ માટે પાર્ટીનું નેતૃત્વ કરશે. વડા પ્રધાને ફરી એક વખત અધ્યક્ષ તરીકે ચૂંટાવા બદલ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોનો આભાર માન્યો હતો અને સંગઠનને મજબૂત કરવા માટે ગંભીરતાથી કામ કરવા વિનંતી કરી હતી.
અગાઉ સરકાર પણ ઉથલાવી દેવાઈ હતી
બાંગ્લાદેશના સ્થાપક અને હસીનાના પિતા બંગબંધુ શેખ મુજીબુર રહેમાનને 15 ઓગસ્ટ, 1975ના રોજ તેમના પરિવારના મોટાભાગના સભ્યો સાથે ફાંસી આપવામાં આવી હતી. આઝાદી પછી, શેખ હસીના અને તેની નાની બહેન શેખ રેહાના જર્મનીમાં હતા તે દિવસે તેમની અવામી લીગની આગેવાની હેઠળની સરકાર પણ ઉથલાવી દેવામાં આવી હતી. આ પછી બંને બહેનોએ પાછળથી ભારતમાં આશરો લીધો હતો. ઉલ્લેખનીય છે કે, શેખ હસીના 1981થી પાર્ટીના વડા છે.