PM શાહબાઝ શરીફનો ઈમરાન ખાનને આંચકો, કહ્યું- અરાજકતા ફેલાવનારાઓ સાથે વાત નહીં
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે મંગળવારે PTIના નેતૃત્વમાં તાજેતરમાં થયેલા દેશવ્યાપી રમખાણો અને વિરોધ પ્રદર્શનોને કારણે ઈમરાન ખાન સાથે વાતચીત કરવાની ના પાડી દીધી છે. એક ટ્વિટમાં, વડાપ્રધાને સ્વીકાર્યું કે રાજકીય પ્રક્રિયામાં સંવાદ જરૂરી છે, જે લોકશાહીને પરિપક્વ અને વિકસિત કરવામાં મદદ કરે છે. વડાપ્રધાને કહ્યું કે, જ્યારે રાજકીય પક્ષો સર્વસંમતિ બનાવવા માટે ટેબલ પર ભેગા થયા ત્યારે ઘણી રાજકીય અને બંધારણીય સફળતાઓ પ્રાપ્ત થઈ હતી. પરંતુ તેમણે એમ પણ કહ્યું કે ખાનના નેતૃત્વવાળી પાર્ટીમાં એક મોટો તફાવત છે.
ઈમરાન ખાન કોઈપણ સાથે વાત કરવા તૈયાર
શાહબાજ શરીફે કહ્યું, “અરાજકતાવાદીઓ અને આગચંપી કરવાવાળા કે જેઓ રાજકારણીઓનો વેશ ધારણ કરે છે અને રાજ્યના પ્રતીકો પર હુમલો કરે છે, તેઓ વાત કરવા લાયક નથી. પરંતુ તેના બદલે તેમને તેમના આ ઉગ્રવાદી કામો માટે જવાબદાર ઠેરવવા જોઈએ.” ઈમરાન ખાને કહ્યું હતું કે, “મે મહિના પછી તેમના ટોચના નેતાઓએ પાર્ટી છોડ્યા બાદથી તેઓ કોઈપણ સાથે વાત કરવા તૈયાર છે.”
ઈમરાન ખાને એમ પણ કહ્યું કે તેઓ એક કમિટી બનાવી રહ્યા છે જે સત્તામાં રહેલા કોઈ પણ સાથે વાત કરશે. પીટીઆઈએ ગયા અઠવાડિયે તેના અધ્યક્ષની સૂચના પર વર્તમાન સરકાર સાથે વાતચીત માટે સાત સભ્યોની ટીમની રચના કરવાની જાહેરાત કરી હતી.
ઈમરાન ખાન પર લશ્કરી અદાલતમાં કેસ ચલાવાશે
બીજી તરફ, પાકિસ્તાનના ગૃહ પ્રધાન રાણા સનાઉલ્લાએ જણાવ્યું હતું કે ઇમરાન ખાન પર લશ્કરી અદાલતમાં કેસ ચલાવવામાં આવશે કારણ કે ભૂતપૂર્વ વડા પ્રધાન 9 મે ના રોજ લશ્કરી પ્રતિષ્ઠાનો પર થયેલા હુમલા માટે જવાબદાર છે. ડોન ન્યૂઝના એક શોમાં સનાઉલ્લાહે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના વડા ઈમરાન ખાન પર તેમની ધરપકડ પહેલા લશ્કરી સ્થાપનો પર હુમલાની વ્યક્તિગત યોજના બનાવવાનો આરોપ લગાવ્યો હતો. મંત્રીએ કહ્યું કે દાવાને સાબિત કરવા માટે અમારી પાસે પુરાવા પણ છે.
આ પણ વાંચો: યુગાંડામાં સજાતિય સબંધો પર મળશે મોત! અમેરિકાએ આપી ધમકી