પીએમ નરેન્દ્ર મોદી લોંચ કરશે ભારતને વિકસિત દેશ બનાવવાની યોજના
- ભારત આઝાદીના 100માં વર્ષમાં વિકસિત દેશ બનવાનું લક્ષ્ય હાંસલ કરવા માંગે છે, ત્યારે પીએમ મોદી સોમવારે વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરશે.
નવી દિલ્હી, 10 ડિસેમ્બર: ભારત એક ઝડપથી વિકસતો વિકાસશીલ દેશ છે. વિકસિત દેશ બનવાની રેસમાં ભારત દેશ આગળ વધી રહ્યો છે. ટૂંક સમયમાં ભારતીય અર્થતંત્ર પણ પાંચ ટ્રિલિયન ડોલરને સ્પર્શી જશે અને ભારત દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. વિકસિત દેશ બનવાનું લક્ષ્ય કેવી રીતે હાંસલ કરવું ? આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે Viksit Bharat @2047 યોજના લોંચ કરવા જઈ રહ્યા છે.
યુવાનોને બતાવવામાં આવશે વિકાસનો માર્ગ
Viksit Bharat @2047 નો ઉદ્દેશ્ય યુવાનોને તેમનો માર્ગો બતાવવાનો છે જેના પર આપણો દેશ વિકસિત થવાનો ટેગ લગાવશે અને વિશ્વના પસંદગીના વિકસિત દેશોમાં તેની ગણતરી થશે. પીએમ મોદી સમગ્ર દેશના યુવાનો સમક્ષ પોતાની યોજના રજૂ કરશે અને તેમની પાસેથી આઈડિયા પણ માંગવામાં આવશે. પીએમ મોદી વિકસિત ભારત માટે વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરશે.
આવતીકાલે તમામ રાજભવનોમાં વર્કશોનું આયોજન
દેશના તમામ રાજભવનોમાં આવતીકાલે સવારે 10.30 કલાકે Viksit Bharat @2047 વર્કશોપનું આયોજન કરવામાં આવશે. જેમાં તમામ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલર અને અનેક સંસ્થાઓના વડાઓ ભાગ લેશે. તેને ‘વિકસિત ભારત @2047: યુવાનોનો અવાજ’ નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવશે. આ સાથે વિકસિત ભારત કાર્યક્રમ શરૂ થશે.
યુવાનોને નવું પ્લેટફોર્મ મળશે
વડાપ્રધાન મોદીનું વિઝન દેશના યુવાનોને આ કાર્યક્રમ સાથે સક્રિય રીતે જોડવાનું છે. Viksit Bharat @2047ના મિશનમાં યુવાનોને રાષ્ટ્રીય કાર્યક્રમો, પ્રાથમિકતાઓ અને લક્ષ્ય નિર્ધારણમાં સામેલ કરવા જોઈએ. આ મિશન યુવાનોને તેમના નવા વિચારો રજૂ કરવા માટે એક પ્લેટફોર્મ પણ પ્રદાન કરશે કારણ કે તેમના યોગદાનથી જ આ મિશનને સફળ બનાવી શકાય છે. વિકસિત ભારત @2047 મિશન હેઠળ, આર્થિક વૃદ્ધિ, સામાજિક પ્રગતિ, પર્યાવરણીય સંરક્ષણ અને સંતુલન અને સુશાસન જેવા લક્ષ્યોને હાંસલ કરવા પર ચર્ચા થશે.
વિકસિત દેશોમાં કયા-કયા દેશોના નામ ?
અત્યારે વિશ્વના અમુક દેશો જ વિકસિત દેશોમાં નામ નોંધાવી શક્યા છે. જેમાં અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન, ફ્રાન્સ, ડેનમાર્ક અને ઈઝરાયેલ જેવા દેશોની ગણતરી વિકસિત દેશોમાં થાય છે. જો કે, ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ વિકાસનું લક્ષ્ય હજી દૂર છે, જેને 2047 સુધી પામવાનું પીએમ મોદીનું એક સપનું છે.
આ પણ વાંચો: 50,000ને રોજગારી આપવાની ડેલોઈટની યોજના: CEO રોમલ શેટ્ટી