વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળનું પીએમ નરેન્દ્ર મોદી કરશે ઉદ્દઘાટન
ઉજ્જૈન, 26 ફેબ્રુઆરી : વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળ ઉજ્જૈનમાં લગાવવામાં આવી છે. આ પ્રકારની પહેલી ઘડિયાળ હશે જે 30 કલાકનો સમય બતાવશે. સાથે જ, તે શુભ સમય પણ બતાવશે. પીએમ મોદી 1 માર્ચે તેનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરશે. જાણો કેમ છે આટલી ખાસ વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળ..
ઉજ્જૈનમાં વૈદિક ઘડિયાળ
મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરના નામે વધુ એક સિદ્ધિ. અહીંના ગૌઘાટ સ્થિત જીવાજીરાવ વેધશાળામાં ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે ‘વૈદિક ઘડિયાળ’ સ્થાપિત કરવામાં આવી છે. 30 કલાકમાં દિવસ અને રાતના સમયની ગણતરી દર્શાવતી આ ઘડિયાળમાં મુહૂર્ત પણ જોઈ શકાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવ દ્વારા 1 માર્ચે તેનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરવામાં આવશે. વિશ્વમાં આ પ્રકારની આ પ્રથમ વૈદિક ઘડિયાળ હશે.
View this post on Instagram
ઉજ્જૈન માટે ગર્વની વાત
12 જ્યોતિર્લિંગોમાંની એક મહાકાલેશ્વરની નગરી હંમેશા સમયની ગણતરીનું કેન્દ્ર રહી છે. અહીંથી કર્ક રેખા પસાર થાય છે, તેમજ, તેને મંગળગ્રહનું જન્મસ્થળ પણ માનવામાં આવે છે. અહીંથી વિક્રમ સંવતની શરૂઆત થતી હોવાથી સમગ્ર વિશ્વમાં વિક્રમ સંવતના નામે કેલેન્ડર અને મુહૂર્તના સમયનું સંચાલન અહીં થાય છે. તેથી, વિશ્વની પ્રથમ આવી વૈદિક ઘડિયાળ જીવાજીરાવ વેધશાળામાં 80 ફૂટ ઊંચા ટાવર પર સ્થાપિત કરવામાં આવી છે.
80 ફૂટની ઊંચાઈ પર સ્થિત ઘડિયાળ
જીવાજીરાવ ઓબ્ઝર્વેટરીમાં 80 ફૂટ ઊંચા ટાવર પર વિશ્વની પ્રથમ આવી વૈદિક ઘડિયાળ સ્થાપિત કરવામાં આવી છે. આ ઘડિયાળની વિશેષતા એ છે કે તે એક સૂર્યોદય અને બીજા સૂર્યોદય વચ્ચેનો 30 કલાકનો સમય બતાવશે. આમાં, ભારતીય માનક સમય અનુસાર, 60 મિનિટ નહીં પણ 48 મિનિટનો એક કલાક હશે. વૈદિક સમયની સાથે તેમાં જુદા જુદા મુહૂર્તો પણ જોવા મળશે.
મોબાઈલથી પણ ઓપરેટ થશે
ક્લોક ટેકનિશિયન સુશીલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ વૈદિક ઘડિયાળ એ જ ગણતરીઓ પર બનાવવામાં આવી છે જે રીતે સમયની ગણતરી કરવાની આપણી જૂની પદ્ધતિ છે. આ 30 કલાકની વૈદિક ગાણિતિક ઘડિયાળથી તમે મુહૂર્ત જોઈ શકશો અને તેને મોબાઈલ એપથી પણ ઓપરેટ કરી શકાશે. લગભગ 150 ફૂટ ઊંચી ક્રેન દ્વારા ઘડિયાળને 80 ફૂટ ઊંચા વોચ ટાવર પર સ્થાપિત કરવામાં આવી છે. પહેલાં તેનું પરીક્ષણ કરવામાં આવશે.
મોહન યાદવે વિશેષ પ્રયાસો કર્યા
વિશ્વની આ પ્રથમ વૈદિક ઘડિયાળ સ્થાપિત કરવામાં મધ્યપ્રદેશના વર્તમાન મુખ્યપ્રધાન ડૉ. મોહન યાદવની મહત્ત્વની ભૂમિકા રહી છે. તેઓ ઉચ્ચ શિક્ષણમંત્રી હતા ત્યારે આ માટે તેમણે પ્રયાસો શરૂ કર્યા હતા. આ જ કારણ છે કે આ અનોખી ઘડિયાળ બની શકી. 1 માર્ચે PM મોદી અને CM યાદવ દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
આ પણ વાંચો : 2035 સુધીમાં ભારતનું અંતરિક્ષમાં પોતાનું સ્પેસ સેન્ટર હશે’- PM મોદી