PM નરેન્દ્ર મોદી 30મીએ વડોદરા આવશે, જનસભા સંબોધશે; તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ
વડોદરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરે ફરી એકવખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. આ અંતર્ગત તેઓ 30મીએ વડોદરાની મુલાકાત લેશે. હાલ જે રીતે આખા ગુજરાતમાં ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ દ્વારા મતદારોને રીઝવવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થવાની હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રીઓ સહિતનો કાફલો ગુજરાતમાં ઉતારવામાં આવ્યો છે.
30 ઓક્ટોબરે રવિવારના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે વડાપ્રધાન મોદીના આગમનની તૈયારીના પગલે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પીએમ મોદી શહેરના લેપ્રસી મેદાન પર જનસભા સંબોધશે.
વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી વિકાસ કાર્યોની ભેટ આપશે
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખ કોઈ પણ સમયે જાહેર થઈ શકે છે ત્યારે 31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક ગુજરાતની મુલાકાતે આવશે. વડાપ્રધાનની આ મુલાકાત એક દિવસની હશે જેમાં તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી વિકાસ કાર્યોની ભેટ આપશે.
પંચમહાલમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યૂનિટી ખાતે એકતા પરેડમાં હાજર રહેશે. તેમજ પંચમહાલમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે. તથા થરાદમાં સિંચાઈ વિભાગના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જોકે સત્તાવાર રીતે હજુ કાર્યક્રમની જાહેરાત થઈ નથી.