ભુજઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જાપાનના ટોક્યોમાં તેમની મુલાકાત દરમિયાન જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાને કચ્છી રોગાનની પેઇન્ટિંગ શુભેચ્છા રૂપે ભેટ આપી હતી. આ પહેલાં પીએમ મોદીએ ગત મહિને યુરોપ પ્રવાસ વખતે ડેન્માર્કની રાણી માગ્રેથ-2ને રોગાન કૃતિ ભેટ આપી હતી. તો વર્ષ 2014માં તેમના પ્રથમ એમેરિકા પ્રવાસ વખતે તત્કાલિન એમરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પણ કચ્છી રોગાન આર્ટની કૃતિ ભેટ આપી ચૂક્યાં છે. આ દર્શાવે છે કે પીએમ મોદી કચ્છ અને તેની હસ્તકળાના ખાસ ચાહક છે.
આ હસ્તકલામાં બાફેલા તેલ અને વનસ્પતિ રંગોમાંથી બનાવેલા પેઇન્ટ મેટલ બ્લોક (પ્રિન્ટિંગ) અથવા સ્ટાઈલસ (પેઈન્ટિંગ) નો ઉપયોગ કરીને ફેબ્રિક પર નાખવામાં આવે છે. 20મી સદીના ઉત્તરાર્ધમાં આ હસ્તકલા લગભગ મૃત્યુ પામી હતી. રોગન પેઇન્ટિંગ માત્ર ભુજ તાલુકાના નિરોણા ગામ ખાતે ખત્રી પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવે છે. હાલ બે પરિવારે પરંપરાગત કચ્છી રોગાન કળાને ઉજાગર રાખી છે.
આ વિશે નિરોના ગામના રિઝવાન ખત્રીએ ખુશી જાહેર કરતા જણાવ્યું હતું કે, આજે મંગળવારે જાપાન પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ ફરી એક વખત કચ્છી રોગાન આર્ટ ધરાવતી પેઇટિંગ જાપાનના વડાપ્રધાનને ભેટ આપી છે. જે બદલ અમે ગૌરવ અનુભવીએ છીએ અને પીએમ મોદીના આ પ્રેમ બદલ આભારની લાગણી પ્રગટ કરીએ છીએ.