ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

PM નરેન્દ્ર મોદી ગુજરાત પહોંચ્યા: એરપોર્ટ ઉપર રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ કર્યું સ્વાગત

Text To Speech

ગાંધીનગર, 15 સપ્ટેમ્બર : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે ગુજરાતની ત્રિ-દિવસીય મુલાકાતે આવ્યા છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.

ત્રણ દિવસના તેમના રોકાણ દરમિયાન તેઓ ચોથા વૈશ્વિક નવીકરણીય સંમેલન અને એક્સ્પો : રિ-ઈન્વેસ્ટ નો શુભારંભ કરાવશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. ગાંધીનગરના સેક્ટર-1 મેટ્રો સ્ટેશનથી મેટ્રો રેલમાં સવારી કરીને અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેસ-2 નું ઉદ્ઘાટન કરશે. અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત સમારોહમાં રુ. 8,000 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. છ વંદે ભારત ટ્રેનોનો પણ શુભારંભ કરાવશે.

ઉલ્લેખનીય છે કે, સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા પછી આજે તેઓ પહેલીવાર ગુજરાત પધાર્યા છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભાબહેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, જીએડીના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિક, મેજર જનરલ ગૌરવ બગ્ગા, અમદાવાદ કલેકટર પ્રવીણા ડી.કે., ડેપ્યુટી ચીફ પ્રોટોકોલ ઓફિસર સંકેતસિંહ સહિત વરિષ્ઠ અધિકારીઓ અને અફસરોએ પણ વડાપ્રધાનનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા.

Back to top button