ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PM મોદીનો દેશવાસીઓને પત્ર: વિકસિત ભારત માટે માંગ્યા સૂચનો

  • દેશવાસીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન એ અમારી સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ અને સંપત્તિ: PM

નવી દિલ્હી, 16 માર્ચ: લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક નવું પગલું ભર્યું છે. તેમણે સમગ્ર દેશવાસીઓને સંબોધીને ખુલ્લો પત્ર લખ્યો છે. ‘મારા પ્રિય પરિવારના સભ્યો’ તરીકે સંબોધિત કરતાં પત્રમાં તેમણે વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા લોકો પાસેથી સૂચનો માંગ્યા છે. પત્રમાં તેમણે લખ્યું છે કે, “તમારી સાથેના અમારા સંબંધોને એક દાયકો પૂર્ણ થયો છે. મને વિશ્વાસ છે કે અમને તમારું સમર્થન મળતું રહેશે. અમે રાષ્ટ્ર નિર્માણ માટે સખત મહેનત કરતા રહીશું, આ મોદીની ગેરંટી છે. મારા પરિવારના સભ્યોના જીવનમાં સકારાત્મક પરિવર્તન એ છેલ્લા 10 વર્ષમાં અમારી સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ અને સંપત્તિ છે.”

મારા પ્રિય પરિવારના સભ્યો તરીકે સંબોધિત કરતો PM મોદીનો પત્ર

વડાપ્રધાન મોદીએ પત્રમાં લખ્યું છે કે, “તમારી અને અમારી એકતાને હવે એક દાયકો પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. મારા 140 કરોડ પરિવારજનો સાથે વિશ્વાસ, સહયોગ અને સમર્થનનો આ મજબૂત સંબંધ મારા માટે કેટલો ખાસ છે તે શબ્દોમાં વ્યક્ત મુશ્કેલ છે. મારા પરિવારના સભ્યોના જીવનમાં જે સકારાત્મક પરિવર્તન આવ્યા છે તે અમારી સૌથી મોટી ઉપલબ્ધિ છે, છેલ્લા 10 વર્ષમાં અમારી સરકારની સૌથી મોટી સંપત્તિ છે. દરેક નીતિ, દરેક નિર્ણય દ્વારા અમે ગરીબો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓના જીવનધોરણમાં સુધારો કર્યો છે. તેમને સુધારણા અને સશક્તિકરણ માટે સંકલ્પબદ્ધ સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રમાણિક પ્રયાસોના અર્થપૂર્ણ પરિણામો આપણી સામે છે.”

છેલ્લા 10 વર્ષમાં તેમની સરકારના કામનો હિસાબ રજૂ કરતા વડાપ્રધાને લખ્યું કે, “પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા પાકાં મકાનો, બધા માટે વીજળી, પાણી અને ગેસની યોગ્ય વ્યવસ્થા, આયુષ્માન ભારત યોજના દ્વારા સારવારની વ્યવસ્થા, ખેડૂત ભાઈઓ અને બહેનોને આર્થિક મદદ, માતૃ વંદના યોજના દ્વારા માતાઓ અને બહેનોને મદદ જેવા ઘણા પ્રયાસો માત્ર એટલા માટે ફળીભૂત થયા છે કારણ કે તમારો વિશ્વાસ મારી સાથે હતો.

પત્રમાં PM મોદીએ આર્ટીકલ 370, GST, ટ્રિપલ તલાક કર્યો ઉલ્લેખ

પત્રમાં તેમણે GSTનો અમલ, આર્ટીકલ 370 હટાવવા, ટ્રિપલ તલાક પર નવો કાયદો બનાવવા, મહિલાઓ માટે નારી શક્તિ વંદન બિલ લાવવા વગેરેનો પણ ઉલ્લેખ કર્યો છે અને તેમના ત્રીજા કાર્યકાળ માટે લોકો પાસેથી સમર્થન અને સહકાર માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ અને તેના સહયોગી દળોએ આ લોકસભા ચૂંટણીમાં 400થી વધુ સીટો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. સરકારનો વિકાસ એજન્ડા અને 2047 સુધીમાં વિકસિત ભારતનું વચન એ ભાજપનું મુખ્ય ચૂંટણી ફળ છે. આને ધ્યાનમાં રાખીને વડાપ્રધાને વિકસિત ભારત માટે લોકો પાસેથી સૂચનો માંગ્યા છે.

પીએમ મોદીએ પત્રના અંતમાં લખ્યું કે, “લોકશાહીની સુંદરતા જનભાગીદારી અને જન સહકારમાં રહેલી છે. તમારા સમર્થનથી મને દેશના હિતમાં મોટા નિર્ણયો લેવા, મોટી યોજનાઓ બનાવવા અને તેને સરળ રીતે અમલમાં મૂકવાની શક્તિ મળે છે. જ્યારે અમે વિકસિત ભારતના નિર્માણના અમારા સંકલ્પને પૂર્ણ કરવા માટે કામ કરીએ છીએ, ત્યારે મને તમારા વિચારો, સૂચનો અને સહકારની જરૂર છે. મને વિશ્વાસ છે કે રાષ્ટ્ર નિર્માણ માટે અમને તમારા આશીર્વાદ અને સમર્થન મળતું રહેશે. અમારા પ્રયાસો અટક્યા વિના અવિરતપણે ચાલુ રહેશે અને તમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ.”

આ પણ જુઓ: કેજરીવાલની મુસીબત વધી: ED સમક્ષ હાજર ન થતાં આજે થઈ શકે છે ધરપકડ

Back to top button