પહાડી પહેરવેશ અને હિમાચલી ટોપીમાં સજ્જ થઈ PM મોદીએ બાબા કેદારનાથના દર્શન કર્યા
કેદારનાથઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડની મુલાકાતે છે. તેમણે અહીં કેદારનાથ મંદિરામાં પૂજા-અર્ચના કરી. વડાપ્રધાન મોદીએ ભગવાન શિવનો રુદ્રાભિષેક પણ કર્યો. આ દરમિયાન વડાપ્રધાન એક ખાસ ડ્રેસમાં જોવા મળ્યા, જેની ભારે ચર્ચા થઈ રહી છે. મળતી માહિતી મુજબ વડાપ્રધાને જે ડ્રેસ પહેર્યો હતો તે હિમાચલનો ખાસ ‘ચોલા ડોરા’ ડ્રેસ છે. જેને હાલમાં એક મહિલાએ વડાપ્રધાન મોદીને ગિફ્ટમાં આપ્યો હતો.
#WATCH | PM Narendra Modi performs 'puja' at the Kedarnath Dham
(Source: DD) pic.twitter.com/9i9UkQ5jgr
— ANI (@ANI) October 21, 2022
PM મોદી હાલમાં જ હિમાચલની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન એક મહિલાએ એક ખાસ ‘ચોલા ડોરા’ ડ્રેસ ભેટમાં આપ્યો હતો. આ ડ્રેસને હિમાચલના ચંબામાં રહેતી મહિલાએ હાથેથી બનાવ્યો છે. જેના પર ઘણી જ સારી હસ્તકળા છે.
વડાપ્રધાન મોદીને જ્યારે મહિલાએ આ ડ્રેસની ભેટ આપી હતી ત્યારે તેમણે વાયદો કર્યો હતો કે જ્યારે તેઓ કોઈ ઠંડી જગ્યાએ જશે તો આ ડ્રેસને જરૂર પહેરશે. વડાપ્રધાન મોદીએ કેદારનાથ યાત્રા દરમિયાન આ વાયદો પૂરો કર્યો અને તેમણે મહિલા દ્વારા આપવામાં આવેલો ખાસ પહેરવેશ પહેર્યો હતો.
ખાસ છે વડાપ્રધાન મોદીની આ મુલાકાત
વડાપ્રધાન મોદીની ઉત્તરાખંડ મુલાકાત ઘણી જ ખાસ માનવામાં આવે છે. PM મોદી અહીં 3400 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન મોદીએ કેદારનાથમાં પૂજા કરી, જે બાદ તેઓ બદ્રીનાથમાં પણ દર્શન કરશે. વડાપ્રધાન મોદી કેદારનાથ રોપવે પ્રોજેક્ટનો પાયો મૂકશે. તેઓ માણા ગામમાં રસ્તા અને રોપવે પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે. PM મોદી બપોરે લગભગ 2 વાગ્યે અરાઈવલ પ્લાઝા અને સરોવરના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે.