

વડોદરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 17 અને 18 જૂને ગુજરાતના મહેમાન બનવાના છે. ત્યારે વડાપ્રધાન 17 જૂને ગાંધીનગર રાજભવન રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ 18મી જૂને સવારે 9.15 કલાકે પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શન કરશે અને 11.30 કલાકે વિરાસત વન(પાવાગઢ નજીક)ની મુલાકાત લેશે. ત્યારબાદ વડોદરા રેલવેના વિવિધ પ્રકલ્પોના 16,369 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડમાં બપોરે 12:30 કલાકે ‘ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં કુલ 3.70 લાખ જેટલા લોકોને ભેગા કરવાનો ટાર્ગેટ છે. ત્યારે ગુજરાતના વિવિધ જિલ્લામાંથી લોકોને એસટી બસ મારફતે વડોદરા લઈ જવામાં આવશે. જેમાં ખેડામાંથી 30 હજાર, પંચમહાલમાંથી 65 હજાર, છોટાઉદેપુર 50 હજાર, આણંદમાંથી 50 હજાર, ખેડામાંથી 30 હજાર, વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાંથી 1 લાખ અને વડોદરા કોર્પોરેશનમાંથી 75 હજાર લોકો અંદાજે ભાગ લે તેવી શક્યતા છે.
મંદિરના જીણોદ્ધારની કામગીરી પૂર્ણ
સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને માર્ગ અને મકાન વિભાગના સંયુક્ત ઉપક્રમે વર્ષ 2017માં મધ્ય ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના વિકાસના કામો માટે રૂા. 121 કરોડની માતબર રકમની ફાળવણી કરી હતી. 2017થી જ પાવાગઢ ખાતે વિકાસના અનેક કાર્યનો આરંભ કરાયો હતો. જે તમામ વિકાસના કાર્યો પૂર્ણ કરી દેવાયા છે. નિજ મંદિરમાં એક સાથે બે હજાર ભક્તોમાં મહાકાળીના દર્શન કરી શકે તેવું વિશાળ પરિસર બનાવ્યું છે. તો બીજી તરફ નિજ મંદિર સુધી પહોંચવા માટેના પગથિયાની પહોળાઇમાં વધારો કર્યો છે. નિજ મંદિરને પણ વિવિધ પ્રકારના નકશી કારીગરો દ્વારા નકશી કામ કરીને અદભુત રીતે શણગારવામાં આવ્યું છે.
વડોદરામાં રોડ પર ભાજપના ઝંડા લાગ્યાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે વડોદરામાં રોડ શો નહીં કરે પણ તેમને આવકારવા માટે સમગ્ર શહેર થનગની રહ્યું છે. વડાપ્રધાનના સ્વાગત માટે એરપોર્ટથી જનસભા યોજાવાની છે તે લેપ્રસી ગ્રાઉન્ડ સુધીના રોડ રિસર્ફેસ કરવામાં આવ્યા છે. તેમજ વૃક્ષોનું ટ્રીમીંગ કરવામાં આવ્યું છે. આ રૂટ પરના બંને બાજુ તમામ સ્પીડ બ્રેકર હટાવી દેવામાં આવ્યા છે. તેમજ સમગ્ર રૂટ પર ભાજપના ઝંડા લાગી ગયા છે. એરપોર્ટ સર્કલ પર વડાપ્રધાન મોદીના કટઆઉટ્સ લગાવવામાં આવ્યા છે અને ચારેતરફ ભાજપના ઝંડા નજર આવી રહ્યા છે.
નેશનલ હાઇવેથી વડોદરા શહેર શણગારાયું
વડાદરાના આંગણે પ્રસંગ હોવાથી છેક નેશનલ હાઇવેથી જ શણગાર કરવામાં આવી રહ્યો છે. જેમાં દુમાડ ચોકડી પર આવેલ નેશનલ હાઇવેના પિલર પર વડોદરાના હેરિટેઝ લક્ષ્મી વિલાસ પેલેસ, ગરબા, પેલેસના ગેટ, ઘોડા પર બેઠેલા સર સયાજીરાવ, વડોદરા રેલવે સ્ટેશનના પેઇન્ટિંગ બનાવવામાં આવ્યા છે.
અમિતનગર બ્રિજ પર હેરિટેજના પેઇન્ટિંગ્સ
શહેરના કારેલીબાગ સ્થિત અમિતનગર બ્રિજના પિલર્સ પર સુરસાગરમાં સ્થાપિત સર્વેશ્વર મહાદેવ, લાલકોર્ટના પેઇન્ટિંગ્સ બનાવવામાં આવ્યા છે. શહેરની આવા અન્ય હેરિટેજ સાઇટ્સના ચિત્રો બ્રિજના પિલર્સ પર પેઇન્ટ કરવામાં આવશે.