ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PM મોદી આજે અયોધ્યાના પ્રવાસે, એરપોર્ટ અને રેલવે સ્ટેશનનું કરશે ઉદ્ઘાટન

  • રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આયોધ્યાની મુલાકાતે
  • PM મોદી મુલાકાત દરમિયાન અયોધ્યા શહેરને વિવિધ યોજનાઓની આપશે ભેટ

અયોધ્યા, 30 ડિસેમ્બર : અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે. 22 જાન્યુઆરીએ યોજાનાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ માટે અયોધ્યાને ભવ્ય રીતે સજાવવામાં આવી રહી છે. શહેરમાં હજારો કરોડના ખર્ચે વિકાસના કામો થઈ રહ્યા છે. આ દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચવાના છે. PM મોદી તેમની મુલાકાત દરમિયાન અયોધ્યા શહેરને વિવિધ યોજનાઓની ભેટ આપશે. વડાપ્રધાન પુનઃવિકાસિત “અયોધ્યા ધામ” રેલ્વે જંકશન અને નવનિર્મિત મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટનું પણ ઉદ્ઘાટન કરશે. પીએમ મોદીની આ મુલાકાત ઐતિહાસિક હશે.

 

રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન ક્યારે થશે?

 

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે લગભગ 11.15 વાગ્યે પુનઃવિકાસિત અયોધ્યા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. આ અયોધ્યા ધામ જંકશનને 240 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે. આ સાથે પીએમ મોદી બે નવી અમૃત ભારત ટ્રેન અને છ નવી વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપશે. આ ઉપરાંત, PM પ્રદેશમાં રેલ માળખાને મજબૂત કરવા માટે 2300 કરોડ રૂપિયાના ત્રણ રેલવે પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે.

એરપોર્ટનું ઉદ્ઘાટન ક્યારે થશે?

 

રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 12.15 કલાકે નવનિર્મિત મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. આ એરપોર્ટનો પ્રથમ તબક્કો 1450 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનો વિસ્તાર 6500 ચોરસ મીટર છે જે વાર્ષિક અંદાજે 10 લાખ મુસાફરોને સેવા આપવા માટે તૈયાર હશે.

15,700 કરોડથી વધુની ગિફ્ટ

એરપોર્ટના ઉદ્ઘાટન બાદ પીએમ મોદી લગભગ 1 વાગ્યે જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે. PM મોદી અહીં અયોધ્યા સહિત સમગ્ર ઉત્તર પ્રદેશ માટે રૂ. 15,700 કરોડથી વધુના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આમાં અયોધ્યા અને તેની આસપાસના વિસ્તારોના વિકાસ માટે આશરે રૂ. 11,100 કરોડના પ્રોજેક્ટ્સ અને સમગ્ર ઉત્તર પ્રદેશમાં અન્ય પ્રોજેક્ટ સાથે સંબંધિત રૂ. 4600 કરોડના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

અન્ય કયા-કયા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે ?

શ્રી રામ મંદિર સુધી પહોંચ વધારવા માટે, વડાપ્રધાન અયોધ્યામાં ચાર નવા પુનઃવિકાસિત, પહોળા અને સૌંદર્યલક્ષી રસ્તાઓનું ઉદ્ઘાટન કરશે-‘રામપથ, ભક્તિપથ, ધરમપથ અને શ્રી રામ જન્મભૂમિ પથ’. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે જે નાગરિકની માળખાગત સુવિધાઓને મજબૂત કરશે તેમજ અયોધ્યા અને તેની આસપાસના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પણ મજબૂત કરશે તો જાહેર સ્થળોને સુંદર બનાવશે.

આ પણ જુઓ :અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા શું-શું થશે?

Back to top button