અમદાવાદકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PM મોદી આજે ગુજરાતમાં સુદર્શન સેતુ બ્રિજનું કરશે ઉદ્ઘાટન, 52000 કરોડની આપશે ભેટ

  • વડાપ્રધાન મોદી રાજકોટમાંથી પાંચ નવી એઈમ્સ પણ રાષ્ટ્રને કરશે સમર્પિત

ગાંધીનગર, 25 ફેબ્રુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2024 પહેલા ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. જેને પગલે શનિવારે રાત્રે PM મોદીએ જામનગરમાં એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી રોડ શો કર્યો હતો અને આજે રવિવારે PM મોદી દેવભૂમિ દ્વારકા અને રાજકોટ જિલ્લામાં યોજાનાર બે કાર્યક્રમોમાં ભાગ લેશે. ગુજરાત પ્રવાસના આજે પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકામાં સુદર્શન સેતુ પુલનું ઉદ્ઘાટન કરશે. આ સાથે પીએમ રાજકોટ જશે અને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના 250 બેડના ઈન્ડોર-પેશન્ટ વિભાગનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી રાજકોટમાંથી પાંચ નવી એઈમ્સ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ સાથે પીએમ અનેક પ્રોજેક્ટ રાજકોટને સમર્પિત કરશે. PM આજે ગુજરાતને રૂપિયા 52000 કરોડની ભેટ આપશે.

 

 

શ્રીમદ ભગવદ ગીતાના શ્લોકો અને બંને બાજુ ભગવાન શ્રીકૃષ્ણની છબીઓથી સુશોભિત વોક-વે

દ્વારકામાં આયોજિત એક જાહેર સમારંભમાં લગભગ રૂ. 980 કરોડના ખર્ચે બનેલા ઓખાની મુખ્ય ભૂમિને બેટ દ્વારકાને જોડતો સુદર્શન સેતુ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. જે દેશનો સૌથી લાંબો કેબલ બ્રિજ છે જે લગભગ 2.32 કિલોમીટરનો છે. સુદર્શન સેતુની ડિઝાઇન વિશિષ્ટ છે, જેમાં શ્રીમદ ભગવદ ગીતાના શ્લોકો અને બંને બાજુ ભગવાન શ્રીકૃષ્ણની છબીઓથી સુશોભિત વોક-વે છે. આ વોક-વેના ઉપરના ભાગમાં સોલાર પેનલ પણ લગાવવામાં આવી છે, જેમાંથી એક મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે.

 

રાજકોટ એઈમ્સનું ઉદ્ઘાટન થશે

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી રાજકોટને અનેક પ્રોજેક્ટ સમર્પિત કરશે. જેમાં રાજકોટના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના 250 બેડના ઈન્ડોર-પેશન્ટ વિભાગનું સત્તાવાર ઉદઘાટન પણ સામેલ છે. આ સાથે ‘આયુષ્માન ભારત, વિકસિત ભારત’ના ધ્યેય હેઠળ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના રાજકોટ ખાતેથી પાંચ નવી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. વડાપ્રધાન જે પાંચ નવી AIIMSનું ઉદ્ઘાટન કરશે તેમાં AIIMS રાજકોટ, AIIMS મંગલગિરી, AIIMS ભટિંડા, AIIMS રાયબરેલી અને AIIMS કલ્યાણીનો સમાવેશ થાય છે. આ પ્રસંગે પીએમ મોદી દેશભરની વિવિધ મેડિકલ કોલેજો અને નર્સિંગ કોલેજોનું પણ ઉદ્ઘાટન કરશે.

આ પણ જુઓ: જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો, હજારોની જનમેદનીનું અભિવાદન જીલ્યું

Back to top button