PM બન્યા પછી સૌથી પહેલા ઈટાલી જશે PM મોદી, જ્યોર્જિયા મેલોનીને મળશે, જાણો શું છે પ્લાન
રોમ, 7 જૂન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 જૂને ત્રીજી વખત શપથ લીધા બાદ ટૂંક સમયમાં જ તેમની પ્રથમ આંતરરાષ્ટ્રીય મુલાકાતે ઇટાલી જવાના છે. ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ G7 સમિટમાં ભાગ લેવાનું આમંત્રણ મોકલ્યું હતું, જેને પીએમ મોદીએ સ્વીકાર્યું છે. 13 થી 15 જૂન દરમિયાન ઇટાલીના પુગ્લિયામાં G7 દેશોની સમિટ યોજાશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘PM મોદીએ ગુરુવારે ઇટાલિયન વડા પ્રધાન મેલોની સાથે વાત કરી હતી અને ઇટાલીના પુગલિયામાં આયોજિત G7 સમિટમાં આમંત્રણ આપવા બદલ તેમનો આભાર માન્યો હતો.’ આ દરમિયાન પીએમ મોદી અને જ્યોર્જિયા મેલોની વચ્ચે મુલાકાત થશે.
આ નેતાઓને મળી શકે છે
આ વર્ષે ઇટાલી G7ની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ સમિટમાં વૈશ્વિક આર્થિક દૃષ્ટિકોણ, જળવાયુ પરિવર્તન અને રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત થવાની શક્યતા છે. G7 દેશોમાં અમેરિકા, બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને જાપાનનો સમાવેશ થાય છે. યુરોપિયન યુનિયન આ ચર્ચાને અતિથિ તરીકે લઈ રહ્યું છે. તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને અન્ય G7 નેતાઓને મળશે.
પીએમ મોદીનો વ્યસ્ત કાર્યક્રમ
G7 સમિટ ઉપરાંત વડાપ્રધાન મોદીને 15 થી 16 જૂન દરમિયાન સ્વિત્ઝર્લેન્ડમાં યોજાનાર યુક્રેન પીસ સમિટમાં પણ ઔપચારિક આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે પીએમ મોદી આ કાર્યક્રમમાં ભાગ લેશે કે નહી તે હજુ નક્કી નથી. આ કોન્ફરન્સમાં રશિયાને આમંત્રણ આપવામાં આવ્યું નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ પીએમ મોદીને તેમની ચૂંટણીમાં જીત બાદ મોકલેલા તેમના અભિનંદન સંદેશમાં તેમને શાંતિ સમિટમાં ભાગ લેવા વિનંતી કરી હતી.
આ પણ વાંચો : VIDEO: કેવી ઉજવણી, નિર્દોષ જીવ સાથે ક્રૂરતા, ભાજપના નેતાનો ફોટો પહેરાવી બકરીનું કાપ્યું ગળું