વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે કેદારનાથ અને બદ્રીનાથ ધામની મુલાકાત લેશે. કેદારનાથની આ તેમની છઠ્ઠી અને બદ્રીનાથની બીજી મુલાકાત હશે. આ દરમિયાન રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહ (સેન.) અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ તેમની સાથે રહેશે. પીએમ મોદી પહેલીવાર બદ્રીનાથમાં રાત્રિ રોકાણ કરશે. વડાપ્રધાન ઉત્તરાખંડને રૂ.3400 કરોડ રૂપિયાનો કનેક્ટિવિટી પ્રોજેક્ટ આપશે. જેમાં કેદારનાથ અને હેમકુંડ સાહિબ માટે રોપવે પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ સામેલ છે. હાલ રાજ્યની સરકાર તથા રુદ્રપ્રયાગ અને ચમોલી જિલ્લા પ્રશાસન વડાપ્રધાનના રોકાણ કાર્યક્રમની તૈયારીમાં વ્યસ્ત છે. સીએમ ધામીએ કેદારનાથ અને બદ્રીનાથમાં તૈયારીઓની સમીક્ષા કરી છે. ચમોલી જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ.ધન સિંહ રાવત બદ્રીનાથ અને નાણામંત્રી પ્રેમચંદ અગ્રવાલ કેદારનાથ પહોંચ્યા છે. શાસન અને વહીવટના ઉચ્ચ અધિકારીઓએ કેદારનાથ અને બદ્રીનાથમાં મોરચો સંભાળ્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ બદ્રીનાથ જવા રવાના થઈ ગયા છે.
આ મોદીની ભેટની ખાસિયત શું રહેશે ?
કેદારનાથ રોપવે : કેદારનાથ ધામ સુધી તે લગભગ 9.7 કિલોમીટર લાંબો હશે. તે ગૌરીકુંડને કેદારનાથ સાથે જોડશે. બંને સ્થળો વચ્ચેનો મુસાફરીનો સમય હાલમાં 6-7 કલાકથી ઘટીને લગભગ 30 મિનિટ થઈ જશે.
હેમકુંડ રોપવે : ગોવિંદઘાટને હેમકુંડ સાહેબ સાથે જોડશે. તે લગભગ 12.4 કિમી લાંબી હશે અને મુસાફરીનો સમય એક દિવસથી ઘટાડીને માત્ર 45 મિનિટ કરી દેશે. આ રોપવે ખંગારિયાને પણ જોડશે, જે વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્કનું પ્રવેશદ્વાર છે.
પીએમ મોદી પહેલા કેદારનાથ જશે
PM મોદી શુક્રવારે સવારે જોલી ગ્રાન્ટ પહોંચશે. સવારે લગભગ 8.30 વાગ્યે કેદારનાથ પહોંચ્યા બાદ બાબા કેદારના દર્શન કરશે. કેદારનાથ રોપવે પ્રોજેક્ટનો શિલાન્યાસ સવારે 9 વાગ્યે કરવામાં આવશે. ત્યારબાદ આદિગુરુ શંકરાચાર્યના સમાધિ સ્થળની મુલાકાત લેશે. સવારે લગભગ 09:25 વાગ્યે, મંદાકિની આસ્થા પથ અને સરસ્વતી આસ્થા પથ સાથેના વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરશે.
માના અને મલારી સુધી ડબલ લેન રોડ
PM લગભગ રૂ. 1000 કરોડના ખર્ચે માનાથી માના પાસ (NH-07) અને જોશીમઠથી મલારી (NH-107B) સરહદી રસ્તાઓના ડબલ લેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. વ્યૂહાત્મક મહત્વના બંને રસ્તાઓ સહિત તમામ પ્રોજેક્ટ પર 3400 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
માનામાં પીએમની જાહેર સભા યોજાશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સીમાંત ગામ માનામાં કનેક્ટિવિટી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યા પછી જાહેર સભાને સંબોધશે. તેઓ બદ્રીનાથમાં રાત્રી રોકાણ કરશે. ચર્ચા છે કે તે સરહદ પર તૈનાત સૈનિકોની વચ્ચે પણ જઈ શકે છે.