અમદાવાદમાં PM મોદીનો પ્રચંડ પ્રચાર, આવતીકાલે 30 કિમી લાંબો રોડ શો યોજશે

PM મોદી આવતીકાલે તેમના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. PMOની મંજૂરી મળ્યા બાદ પીએમ મોદીના રોડ શોના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે, આવતીકાલે બપોર બાદ PM મોદીનો રોડ શો યોજવાની શહેર ભાજપની તૈયારીઓ છે. 30 કિલોમીટર લાંબા રોડ શોમાં PM મોદી અમદાવાદની તમામ વિધાનસભા બેઠકો આવરી લેશે.

પહેલીવાર 30 કિમી લાંબો રોડ શો
બીજા તબક્કામાં અમદાવાદની તમામ બેઠકોનું મતદાન થવાનું છે. ત્યારે અમદાવાદની તમામ બેઠકોને આવરી લેવાય તેવા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ છે. જો કે ભાજપ દ્વારા હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પણ અત્યારે જે આયોજન કરવામાં આવી રહ્યુ છે તે પ્રમાણે 30 કિલોમીટરના રોડ શોની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં અમદાવાદની તમામ બેઠક પરથી રોડ શો પસાર થશે. ત્યાર બાદ જંગી જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. જો કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને હજુ સુધી કોઇ સત્તાવાર પરવાનગી નથી મળી. જો પરવાનગી મળશે તો પહેલી વખત પીએમ મોદી અમદાવાદમાં 30 કિલોમીટરનો રોડ શો કરશે.
ગુજરાતમાં 2 દિવસમાં 7 જનસભા, રોડ શો કરશે PM મોદી
પીએમ મોદી 1 અને 2 ડિસેમ્બરે ગુજરાતના પ્રવાસે રહેશે. આ દરમિયાન પીએમ મોદી કુલ 7 જનસભાને સંબોધિત કરવાના છે. પીએમ મોદી 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાના મતદાન વચ્ચે પંચમહાલના કાલોલ, છોટા ઉદેપુર, બોડેલી અને હિંમતનગરમાં રેલી કરશે. અહી 5 ડિસેમ્બરે બીજા ફેઝમાં મતદાન થવાનું છે. કાલોલમાં ગુરૂવાર સવારે 11 વાગ્યે,બોડેલીમાં 12.30 અને હિંમતનગરમાં 2.45 વાગ્યે પીએમ મોદીની રેલીનો કાર્યક્રમ છે. તે બાદ પીએમ મોદી ગુરૂવારની રાત્રે ગાંધીનગરમાં રોકાશે.

એ પછી 2 ડિસેમ્બરે વડાપ્રધાન મોદી બનાસકાંઠાના કાંકરેજ, પાટણ અને અમદાવાદમાં જનસભા કરશે. કાંકરેજમાં રેલી સવારે 11 વાગ્યે, પાટણમાં 12.30 વાગ્યે, સોજિત્રામાં 2.45 વાગ્યે અને અમદાવાદમાં અંતિમ રેલી સાંજે 7 વાગ્યે યોજાશે.
ગુજરાત ચૂંટણી માટે પીએમ મોદીએ 20 નવેમ્બરે સોમનાથ મંદિરમાં દર્શન કરીને ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. અમદાવાદમાં 2 ડિસેમ્બરે રોડ શો અને રેલી સાથે ભાજપનો પ્રચાર અભિયાન ખતમ થઇ જશે.
મહત્વપૂર્ણ છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પીએમ મોદી અત્યાર સુધી 20 રેલી કરી ચુક્યા છે. આ સાથે જ તે બે કાર્યક્રમમાં ભાગ લઇ ચુક્યા છે.