

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ગુજરાતના સાબરકાંઠાની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે સાબરડેરીમાં બે પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે આજે ફરી PM મોદી ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની મુલાકાત લેશે. ગિફ્ટ સિટીની કલ્પના માત્ર ભારત માટે જ નહીં પરંતુ વિશ્વ માટે નાણાકીય અને તકનીકી સેવાઓ માટે એક સંકલિત હબ તરીકે કરવામાં આવી હતી. PM મોદી ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક-સિટી ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસિસ સેન્ટરની મુલાકાત લઈ તેના મુખ્ય ઇમારતનો શિલાન્યાસ કરશે.

આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમન, રાજ્યના નાણા અને ઉર્જા મંત્રી કનુ દેસાઈ, કેન્દ્રીય નાણાકીય અને કોર્પોરેટ રાજ્ય મંત્રી ડો. ભગવત કિશનરાવ કરાડ અને કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી પણ ઉપસ્થિત રહશે.

PM GIFT-IFSC માં ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ, ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) લોન્ચ કરશે. IIBX ભારતમાં સોનાના વિત્તિયકરણને વેગ આપવા ઉપરાંત ગુણવત્તાની ખાતરી સાથે કાર્યક્ષમ ભાવની સુવિધા આપશે. જેથી ભારતને વૈશ્વિક બુલિયન માર્કેટમાં તેનું યોગ્ય સ્થાન મેળવવા અને વૈશ્વિક મૂલ્યશ્રૃંખલાને પ્રમાણિકતા અને ગુણવત્તા સાથે સેવા આપવા માટે સશક્તિકરણ મળશે. સાથે જ તે એક મુખ્ય ઉપભોક્તા તરીકે વિશ્વ બુલિયનના ભાવને પ્રભાવિત કરવામાં ભારતને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા સક્ષમ બનાવવા ભારત સરકારની પ્રતિબદ્ધતાને પુન:પુષ્ટ કરે છે.
વડાપ્રધાન અન્ય કેટલીક જાહેરાત કરે તેવી પણ શક્યતા
PM મોદી NSE IFSC-SGX કનેક્ટ પણ લોન્ચ કરશે. આ કનેક્ટ હેઠળ સિંગાપોર એક્સચેન્જ લિમિટેડના સભ્યો દ્વારા મુકવામાં આવેલા NIFTY ડેરિવેટિવ્ઝ પરના તમામ ઓર્ડર્સ NSE-IFSC ઓર્ડર્સ મેચિંગ અને ટ્રેડિંગ પ્લેટફોર્મ પર રૂટ કરવામાં આવશે અને મેચ કરવામાં આવશે. આ કનેક્ટ GIFT-IFSC પર ડેરિવેટિવ માર્કેટમાં તરલતાને વધુ સ્પષ્ટ કરશે. જે વધુ આતંરરાષ્ટ્રીય સહભાગીઓને લાવશે અને GIFT-IFSC માં નાણાકીય ઇકો-સિસ્ટમ પર હકારાત્મક અસર કરશે. ભારતમાંથી બ્રોકર-ડીલર્સ અને સમગ્ર આંતરરાષ્ટ્રીય અધિકારી ક્ષેત્રો સાથે જોડાણ દ્વારા ડેરિવેટિવ્ઝના વેપાર માટે મોટી સંખ્યામાં ભાગ લેવાની અપેક્ષા છે. વડાપ્રધાનની આ મુલાકાત દરમિયાન અન્ય કેટલીક મહત્વની જાહેરાતો પણ કરવામાં આવશે.

ગત વર્ષે IFSCAની સ્થાપના કરવામાં આવી
ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા 27 એપ્રિલ, 2020 ના રોજ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) ની સ્થાપના કરવામાં આવી હતી અને ભારતમાં ઇન્ટરનેશનલ ફાયનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સમાં નાણાકીય સેવાઓના બજારને વિકસાવવા અને તેનું નિયમન કરવા અને તેની સાથે જોડાયેલી અથવા આકસ્મિક બાબતો માટે તેને ચાર સ્થાનિક નાણાકીય ક્ષેત્ર RBI, SEBI, IRDAI અને PFRDAના નિયમનકારોની સત્તાઓ આપવામાં આવી હતી.
જૂન 2022 સુધીમાં, કુલ 310 થી વધુ એકમોએ IFSCA ના નિયમનકારી ક્ષેત્ર હેઠળ તેમની કામગીરી શરૂ કરી છે, IFSCA એ સત્તા સંભાળી ત્યારથી તેમાં 140%ની નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. વધુમાં, IFSCA ના નિયમનકારી કાર્યક્ષેત્ર હેઠળની 22 બેંકોએ આશરે 32 બિલિયન યુએસ ડોલરનો એકીકૃત એસેટ બેઝ બનાવ્યો છે. જ્યારે તે આશરે 207 બિલિયન યુએસ ડોલર સંચિત બેંકિંગ વ્યવહારોની સુવિધા આપે છે.

IFSCમાં 2 આંતરરાષ્ટ્રીય સ્ટોક એક્સચેન્જો સામૂહિક રીતે આશરે 11 બિલિયન યુએસ ડોલરનું સરેરાશ દૈનિક ટર્નઓવર સંભાળે છે. આ તમામ મેટ્રિક્સ IFSCA દ્વારા થતી કામગીરીમાં વૈશ્વિકરસને પ્રતિબિંબિત કરે છે, જેને ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સ, લંડનમાં તેમના તાજેતરના અહેવાલમાં પણ સ્વીકારવામાં આવ્યું છે, જેમાં GIFT IFSC ને વૈશ્વિક સ્તરે ટોચના 15 કેન્દ્રો પર રેટિંગ આપવામાં આવ્યું છે, જે આગામી 2 થી 3 વર્ષમાં વધુ વેગવાન બનવાની શક્યતા છે.