- વડાપ્રધાને 8 ભારતીયોને છોડવા માટે આભાર વ્યક્ત કર્યો
નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી : તાજેતરમાં કતરે મૃત્યુદંડની સજા પામેલા આઠ ભૂતપૂર્વ ભારતીય મરીનને મુક્ત કર્યા હતા. આ આઠમાંથી સાત ભારતીયો તાજેતરમાં જ તેમના દેશમાં પરત ફર્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દોહા પહોંચ્યા અને કતરના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ આઠ ભૂતપૂર્વ ભારતીય મરીનને મુક્ત કરવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. પીએમ મોદી સંયુક્ત આરબ અમીરાત (UAE)ની બે દિવસીય મુલાકાત બાદ 14 ફેબ્રુઆરીની રાત્રે કતર પહોંચ્યા હતા. આ પછી 15 ફેબ્રુઆરીએ કતરના રોયલ પેલેસમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોદીએ કતારના અમીર શેખ તમીમ બિન હમાદ સાથે મુલાકાત કરી હતી.
પીએમ મોદીએ X ઉપર માહિતી આપી
મોદીએ સોશિયલ મીડિયા વેબસાઈટ X પર પોસ્ટ કર્યું કે શેખ તમીમ બિન હમાદ સાથેની મુલાકાત શાનદાર રહી હતી. અમે ભારત-કતર સંબંધોની સમીક્ષા કરી અને વિવિધ ક્ષેત્રોમાં સહકારને ગાઢ બનાવવાની રીતો પર ચર્ચા કરી હતી. પીએમ મોદીની આ કતર મુલાકાત મહત્વપૂર્ણ છે કારણ કે આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે કતરે તાજેતરમાં જ 8 ભૂતપૂર્વ ભારતીય મરીન અધિકારીઓને કેદમાંથી મુક્ત કર્યા હતા.
માજી સૈનિકોની મુક્તિ બદલ આભાર વ્યક્ત કર્યો
ઉલ્લેખનીય છે કે, આ 8 ખલાસીઓની ઓગસ્ટ 2022માં ઈઝરાયેલ માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, ઓક્ટોબર 2023 માં, કતર કોર્ટે દરેકને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. જો કે, ડિસેમ્બરમાં ‘કોર્ટ ઓફ અપીલ’એ ફાંસીની સજા પર રોક લગાવી દીધી હતી અને તેને તાજેતરમાં જ મુક્ત કરવામાં આવ્યો હતો. પીએમ મોદીએ આઠ ભારતીય નાગરિકોની મુક્તિ બદલ કતરના અમીરનો આભાર માન્યો હતો. PM એ ભારતીય સમુદાયના કલ્યાણ માટે તેમના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ કતરના અમીર થાની અને તેમના પિતા હમાદ બિન ખલીફા અલ થાનીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે.
2016માં છેલ્લી વખત કતર ગયો હતો
વડાપ્રધાન મોદીએ છેલ્લે 2016માં કતરની મુલાકાત લીધી હતી. કતરના અમીર 2015માં ભારત આવ્યા હતા. ગયા વર્ષે 2023 એ ભારત અને કતર વચ્ચે સંપૂર્ણ રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 50 વર્ષ પૂરા થયા હતા. પીએમ મોદીની મુલાકાત પહેલા કતરમાંથી 8 ભારતીયોની મુક્તિને દેશની મોટી રાજદ્વારી જીત તરીકે જોવામાં આવી રહી છે.