રાજકોટ : સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન રાજકોટના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત અમૃત મહોત્સવમાં સહજાનંદ નગર ખાતે આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી સંબોધન દ્વારા તેમની ભાવના વ્યક્ત કરી સાધુ સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. આ તકે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પટેલની પ્રેરણાદાયક ઉપસ્થિતિ રહી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના વર્ચ્યુઅલ ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ગુરુકુળને 75 વર્ષ થઇ રહ્યા છે. હું 75 વર્ષની યાત્રા માટે તમને બધાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ભગવાન શ્રી સ્વામિનારાયણના નામ સ્મરણથી જ નવચેતનાનું સંચાર થાય છે. સ્વામિનારાયણના નામ સ્મરણથી એક અલગ જ અલૌકિક અહેસાસ થાય છે. આવનારું ભવિષ્ય વધુ યશસ્વી હશે.
પ્રધાનમંત્રીએ સહર્ષ કહ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ યાત્રાનું 75 મું વર્ષ એવા સમયે પૂરું થઇ રહ્યું છે કે જ્યારે દેશ આઝાદીનું 75મું વર્ષ ઉજવી રહ્યું છે. આ સુખદ સંયોગ છે. તેમણે કહ્યું કે આ સંસ્કૃતિ અને સમર્પણનો સુયોગ છે. અધ્યાત્મ અને આધુનિકતાનો સુયોગ છે. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આપણા પર જવાબદારી હતી કે આપણે શિક્ષાના ક્ષેત્રમાં ભારતના પ્રાચીન વૈભવ અને આપણા મહાન ગૌરવને પુન:જીવિત કરીએ. આપણા સંતો અને આચાર્યોએ એક બીડું ઉઠાવ્યું અને સ્વામિનારાયણ ગુરુકુળ આ સુયોગનું જીવંત ઉદાહરણ છે. પૂજય શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું રાજ્કોટ ગુરૂકુળ માટે જે વિઝન હતું તે વિચારબીજ વટવૃક્ષ બનીને આપણી સામે છે.
આ સાથે જ તેમણે કહ્યું કે હું ગુજરાતમાં તમારા બધાની વચ્ચે જ મોટો થયો છું. આ મારું સૌભાગ્ય છે કે મને આ વટવૃક્ષને આકાર લેતા મારી આંખે જોવાનું સૌભાગ્ય મળ્યું છે. રાજકોટમાં માત્ર 7 વિદ્યાર્થીથી શરૂ થયેલ ગુરૂકુળની દેશ-વિદેશમાં 50 થી વધારે શાખાઓ છે. ગુકુકુળની વિશેષતા અંગે તેમણે કહ્યું હતું કે ગુરુકુળ એવી સંસ્થા છે કે ગરીબ લોકો પાસેથી માત્ર એક રૂપિયો ફી લે છે. તેથી ગરીબ બાળકો માટે શિક્ષણ લેવું સરળ થઇ જાય છે. ભારતમાં જ્ઞાન જ જીવનની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે તેમ કહેતા વડાપ્રધાને દુનિયાના બીજા દેશોની ઓળખ રાજ્યો અને રાજગુરૂઓથી થતી હતી. ત્યારે ભારતને લોકો ગુરૂકુળોથી ઓળખતા હતા, એ બાબતનો વિશે સુલેખ કર્યો હતો અને ઉમેર્યું હતું કે આપણા ગુરૂકુળ સદીઓથી મમતા, સમાનતા, અને સેવાભાવની વાટિકા રહી છે. નાલંદા અને તક્ષશિલા જેવા વિશ્વવિદ્યાલયો ભારતની ઓળખ છે.
મહર્ષિ વાલ્મિકી આશ્રમમાં લવકુશ સાથે અત્રેયી પણ ભણતી હતી તેમ કહી પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે મને ખુશી છે કે સ્વામિનારાયણ ગુરુકુળ આધુનિક ભારતને આગળ વધારવા કન્યા ગુરુકુળ શરૂ કરી રહ્યા છે. ભારતના ઉજ્જવળ ભવિષ્યમાં આપણી આજની શિક્ષા વ્યવસ્થા અને શિક્ષણ સંસ્થાઓની ખૂબ મોટી ભૂમિકા છે. આથી આઝાદીના અમૃતકાળમાં દેશ એજ્યુકેશન, ઇન્ફ્રાસ્ટ્રકચર કે એજ્યુકેશન પોલિસી હોય, દરેક સ્તર પર ખૂબ જ ઝડપથી અને વિસ્તારથી કામ થઈ રહ્યું છે. નવી શિક્ષણ નીતિ દ્વારા એ શિક્ષણ નીતિ તૈયારી કરી રહ્યું છે કે જે ફોરવર્ડ લુકિંગ છે. દેશ આઝાદીના 100 વર્ષ મનાવતો હશે ત્યારે વૈશ્વિક સિદ્ધિ સુધી લઇ જશે. ત્યારે સ્વામિનારાયણ ગુરૂકુળ જેવી સંસ્થાઓનો પ્રયાસ અગત્યનો છે. પ્રધાનમંત્રી એ વધુમાં કહ્યું કે અમૃતકાળની આવતા 25 વર્ષની યાત્રા તમારા બધાનો સાથ ખૂબ જ અગત્યનો હશે. ભારતના સંકલ્પ નવા છે. આ સંકલ્પને સિદ્ધ કરવાના પ્રયાસો પણ નવા હશે.
આ પ્રસંગે ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણ દાસજી , મહંત શ્રી દેવ પ્રશાદજી સ્વામી, મહંત શ્રી ધર્મવલ્લભ સ્વામી, ધારાસભ્યો રમેશભાઈ ટીલાળા, ઉદયભાઇ કાનગડ, મેયર ડો. પ્રદીપભાઇ ડવ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, કલેકટર અરુણ મહેશ બાબુ, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહીત સ્વામિનારાયણ સંતો મહંતો અને વિશાળ સંખ્યામાં સહીત સ્વામિનારાયણ સંતો મહંતો અને વિશાળ સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.