ગુજરાતવર્લ્ડ

કેનેડાના મરખમમાં સરદાર પટેલની પ્રતિમાનું PM મોદીએ અનાવરણ કર્યું, વર્ચ્યુઅલી હાજર રહી કહ્યું- વિશ્વમાં ભારતીયો ગમે ત્યાં રહે, ભારતીયતા ભૂલતા નથી

Text To Speech

કેનેડાના મરખમમાં સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. PM મોદી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી આ પ્રતિમાનું અનાવરણ કર્યું છે. મરખમના સનાતન મંદિર સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે પ્રતિમાનું અનાવરણ કર્યાં બાદ વડાપ્રધાન મોદીએ અખંડ ભારતના નિર્માતા એવા સરદાર પટેલને યાદ કર્યા. વડાપ્રધાને કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આપણા સાંસ્કૃતિક મૂલ્યોને મજબૂત કરવા ઉપરાંત બન્ને દેશો વચ્ચેના સંબંધોનું પ્રતીક પણ બનશે.

મહત્વનું છે કે આ પ્રતિમા જ્યાં સ્થાપિત કરવામાં આવી રહી છે તે વિસ્તાર હવે સરદાર ચોક તરીકે ઓળખાશે.

ભારત ‘વસુધૈવ કુટુંબકમ’ની વાત કરે છે
PM મોદીએ વીડિયો કોન્ફરન્સિંગથી કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. તેમને કહ્યું કે ભારત ‘વસુધૈવ કુટુંબકમ’ની વાત કરે છે. ભારત અન્યના નુકસાનની કિંમત પર પોતાના કલ્યાણનું સ્વપ્ન જોતું નથી. ભારત સમગ્ર માનવતા અને તેની સાથે સમગ્ર વિશ્વના કલ્યાણની કામના કરે છે. આજે જ્યારે આપણે ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને આગળ ધપાવીએ છીએ, ત્યારે આપણે વિશ્વ માટે પ્રગતિની નવી શક્યતાઓ ખોલવાની વાત કરીએ છીએ. આજે જ્યારે આપણે યોગના પ્રસાર માટે પ્રયત્નશીલ છીએ ત્યારે આપણે વિશ્વના દરેક વ્યક્તિને ‘સર્વે સંતુ નિરામ’ની શુભેચ્છા પાઠવીએ છીએ.

આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે એક ભારતીય વિશ્વમાં ગમે ત્યાં રહે, ગમે એટલી પેઢીઓથી રહેતા હોય, તેમની ભારતીયતા, તેમની ભારત પ્રત્યેની નિષ્ઠા બિલકુલ ઓછી થતી નથી. આ ભારતીયો જે પણ દેશમાં રહે પણ સંપૂર્ણ લગન અને ઈમાનદારીથી તે દેશની સેવા પણ કરે છે.

આ પ્રતિમાની વિશેષતા
9 ફૂટ ઊંચી આ પ્રતિમા ફક્ત 3 મહિનાના તૈયાર કરવામાં આવી છે. આ પ્રતિમા નરેશ કુમાવત દ્વારા તૈયાર કરાઈ છે. પંચ ધાતુમાં વ્યાપક સંશોધન કર્યા બાદ આ પ્રતિમા તૈયાર કરાઈ છે. એક દાવા મુજબ આ પ્રતિમાને આશરે 500 વર્ષ સુધી કંઈ જ થશે નહીં

કેનેડામાં આવેલ સનાતન મંદિર સંસ્થા શું છે?
1985માં સ્થપાયેલી આ સંસ્થા ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં કાર્યરત છે. આ પ્રોજેક્ટની ટોરોન્ટોના ગુજરાત સમાજ દ્વારા શરૂ કરવામાં આવી હતી.આ સંસ્થા શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રમાં કામ કરે છે.

Back to top button